પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ, 24 લોકોના મોત
પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં 15 સૈનિકો પણ સામેલ છે. જ્યારે 46થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ બ્લાસ્ટ બલૂચિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પાસે થયો હતો. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સમયે સ્ટેશન પર ભીડ સામાન્ય હતી.
વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા. ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી અને ઘાયલોની સારવાર માટે વધારાના ડોકટરો અને પેરામેડિક્સને બોલાવવામાં આવ્યા હતા. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી ન હતી. વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે.