આસામમાં ભારે વરસાદ-પૂરને લીધે 800 ગામડાં જળમગ્ન, પાકને નુકસાન
આસામમાં દુષ્કાળ પછી હવે ભીષણ પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે રાજ્યભરના અનેક શહેરો અને ગામડાઓ ડૂબી ગયા છે. પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ બની હતી. અત્યાર સુધીમાં 1.2 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 10 જેટલા જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળ્યું હતું. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 1 લાખ 19 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જે બક્સા, બરપેટા, દરરંગ, ધેમાજી, ધુબરી, કોકરાઝાર, લખીમપુર, નલબારી, સોનિતપુર અને ઉદલગિરી જિલ્લાઓમાં છે.
રાજ્યનો નલબારી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, અહીં લગભગ 45000 હજાર લોકો પૂરની લપેટમાં આવી ગયા છે, જ્યારે બક્સામાં 26000 લોકો અને લખીમપુરમાં 25000 લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે. મંગળવાર સુધી માત્ર 34 હજાર લોકો તેનાથી પ્રભાવિત થયા હતા, પરંતુ બુધવારે આ સ્થિતિ વધુ વિકટ બની હતી. વહીવટીતંત્ર દ્વારા 5 જિલ્લામાં 14 રાહત શિબિરો ચલાવવામાં આવી રહ્યાં છે જ્યાં પૂર પ્રભાવિત લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. અહીં કુલ 2091 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 5 જિલ્લામાં 17 રાહત વિતરણ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે.
NDRF, SDRF, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ, સિવિલ એડમિનિસ્ટ્રેશન, NGO અને સ્થાનિક લોકો આસામમાં રાહત અને બચાવ કાર્ય માટે રાત-દિવસ રોકાયેલા છે. અત્યાર સુધીમાં લગભગ 1280 લોકોને અલગ-અલગ જગ્યાએથી બચાવી લેવામાં આવ્યા છે. ASDMA અનુસાર, હાલમાં 780 ગામોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે અને લગભગ 10,000 હેક્ટર ખેતીની જમીન જળબંબાકાર છે, જેના કારણે ખેતીને ઘણું નુકસાન થયું છે.
ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વધુને વધુ વરસાદની આગાહી કરી છે. “આગામી બે દિવસ દરમિયાન બંગાળની ખાડીમાંથી ઉત્તરપૂર્વ ભારતમાં નીચા-સ્તરના દક્ષિણ/દક્ષિણપશ્ચિમ પવનોને કારણે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. IMDના સ્થાનિક હવામાન કેન્દ્રે જણાવ્યું છે કે આ પવનોને કારણે ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ પછી સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ જશે.