સિક્કિમમાં ભારે વરસાદ-ભુસખ્લનથી 6 લોકોના મોત, 1500 પ્રવાસીઓ ફસાયા
સિક્કિમમાં સતત વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ છે. અહીં છ લોકોના મોત થયા છે અને લગભગ 1500 પ્રવાસીઓ ફસાયેલા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. જેના કારણે ખતરો છે. સિક્કિમમાં ઘણા પર્વતીય સરોવરો છે, જેમાં જ્યારે વધારે પાણી હોય છે ત્યારે ભૂસ્ખલન થાય છે અને તેના પછી એક સાથે મોટા પ્રમાણમાં પાણી નીચેની તરફ જાય છે. જેના કારણે ઘણો વિનાશ થાય છે.
સાંગકલંગમાં પુલ ધોવાઈ ગયો
અધિકારીઓએ જણાવ્યું હતું કે સંગકલંગ ખાતે નવો બાંધવામાં આવેલો પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે મંગનનો ઝોંગહુ અને ચુંગથાંગ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને ઘણા ઘરો ડૂબી ગયા હતા અને નુકસાન થયું હતું, જ્યારે ઇલેક્ટ્રિક થાંભલાઓ ધોવાઈ ગયા હતા. ગુરુડોંગમાર સરોવર અને યુન્થાંગ વેલી જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો માટે જાણીતા મંગન જિલ્લાના જોંગુ, ચુંગથાંગ, લાચેન અને લાચુંગ જેવા નગરો દેશના બાકીના ભાગોથી કપાઈ ગયા છે. મંગન જિલ્લા મેજિસ્ટ્રેટ હેમ કુમાર છેત્રીએ જણાવ્યું હતું કે, “પાકશેપ અને અમ્બીથાંગ ગામમાં ત્રણ-ત્રણ લોકોના મોત થયા છે.” ગીથાંગ અને નામપથાંગમાં ઘણા ઘરોને નુકસાન થયું છે. છેત્રીએ કહ્યું કે વિસ્થાપિત લોકો માટે પાકસાપમાં રાહત શિબિર બનાવવામાં આવી છે.