50 ટકા કોટાની મર્યાદા SC-ST અનામતમાં વધારો કરાશે
કર્ણાટકની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST) ની અનામત વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય જસ્ટિસ એચ.એન. નાગમોહન દાસ કમિશનનો અહેવાલને અનુલક્ષીને લીધો છે. આ અહેવાલમાં SC માટેની અનામતને 15 ટકાથી વધારીને 17 ટકા અને ST માટેની અનામતને 3 ટકાથી વધારીને 7 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ એક સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ આ જાહેરત કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અને જનતા દળ (એસ)ના નેતાઓએ પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, વસ્તીના આધારે SC/ST સમુદાયો માટે આરક્ષણની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. ‘જસ્ટિસ નાગમોહન દાસ કમિશનની ભલામણઓ ઉપર આજે સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ અમારી પાર્ટી (BJP)માં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં SC/STના કલ્યાણ માટે અમારી પ્રતિબદ્ધતા જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારના રોજ કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં આ અંગે ઔપચારિક નિર્ણય લેવામાં આવશે.