4 લોકોના ઘટના સ્થળે જ મોત મધ્યપ્રદેશમાં માર્ગ અકસ્માત
મધ્યપ્રદેશમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત થઈ ગયા હતા. આ અકસ્માત ખરગોન જિલ્લાના મેનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જામલા ગામ પાસે થયો હતો જ્યાં બે બાઈક સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર બાઈક સવારોના મોત થઈ ગયા છે. આ માર્ગ અકસ્માતમાં બે લોકો ઘાયલ પણ થયા છે. તમામને જિલ્લા હોસ્પિટલ ખરગોન સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ એએસપી મનીષ ખત્રી, ખરગોનના એસડીએમ ઓમનારાયણ સિંહ બડકુલ જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
બંને ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. એએસપી મનીષ ખત્રીએ મીડિયાને જણાવ્યું કે, મેનગાંવ પોલીસ સ્ટેશનના જામલા પાસે બે બાઈકની સામ-સામે અથડામણને કારણે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને બાઈક પર ત્રણ-ત્રણ લોકો સવાર હતા. સામ-સામે બાઈક અથડાયાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માત કેવી રીતે થયો તેના અન્ય કારણો અંગે પોલીસ તપાસ કરશે.
માર્ગ અકસ્માત બાદ તમામ મૃતકોના મૃતદેહ જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. પોલીસે સંબંધીઓને જાણ કરી છે. મિત્યા મોહન અને સુનીલ રમેશ બંને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.