નાગપુરમાં ઘર પાસે જ કારમાં ગૂંગળામણથી 3 બાળકોનાં મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નાગપુરમાં  એક ભારે કરુણ ઘટનામાં  રહસ્યમય રીતે ગુમ થઈ ગયેલા ભાઈ, બહેન સહિત ત્રણ બાળકના મૃતદેહ કારની અંદર મળી આવતા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. કારનો દરવાજો લોક થઈ જતા અંદર ફસાઈ ગયેલા ત્રણ માસૂમના ગરમી અને ગુંગળામણથી મોત નીપજ્યા હોવાનું કહેવાય છે.એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે કે આ બાળકો રમત રમતમાં કારમાં પેઠાં હશે. તે પછી કારનો દરવાજો ઓટોમેટિક લોક થઈ ગયો હશે જે આ બાળકોને ખોલતાં નહીં આવડયો હોય. જોકે, બંધ કારમાંથી તેમની બચાવની ચીકો કે કાર થપથપાવાના અવાજો પણ કોઈએ સાંભળ્યા ન હતા.

નાગપુરના ફારુકનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષીય તૌફિક ફિરોઝ ખાન, તેની છ વર્ષીય બહેન આલિયા, તથા છ વર્ષીય બહેનપણી આફરીન ઈરશાદ ખાન શનિવારે બપોરથી ગાયબ હતા.

બાળકો ઘરની નજીક મેદાનમાં રમવા ગયા હોવાનું તેમના માતા- પિતાને લાગ્યું હતું. તેઓ સાંજે ઘરે પાછા આવ્યા નહોતા. આથી પરિવારજનોએ પાચપાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી.

આ વિસ્તારની સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ બાળક ફારુકનગર કે આસપાસના વિસ્તારમાં ક્યાંય જોવા મળ્યા નહોતા.

જેના આધારે બાળકોનું અપહરણ કરવામાં આવ્યું ન હોવાનું પોલીસને માલૂમ પડયું હતું. પોલીસે ગઈકાલે સવારથી ફરી એકવાર સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી હતી.

બાળકોના ઘરથી અંદાજે ૫૦ મીટર દૂર પાર્ક કરાયેલી એસયુવીની તપાસ કરતા અંદર તેમના મૃતદેહો મળી આવ્યા હતા. આ ત્રણ માસૂમ રમતી વખતે કારની અંદર ગયા બાદ કદાચ દરવાજો લોક થઈ ગયો હશે. પછી ગરમી અને ગુંગળામણથી તેઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હોવાની શક્યતા છે.

સંબંધિત કાર ઘણા દિવસથી ત્યાં ઉભી હોવાથી તેના કાચમાં અંદર અને બહારથી ધૂળ જમા થઈ ગઈ હતી. કારને અંદરથી ખોલવા માટે કોઈ હેન્ડલ નહોતું એમ કહેવાય છે. આ ત્રણ બાળકો કારની અંદર કેવી રીતે ગયા તે અંગે તપાસ થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.