ગ્રીસ નજીક ડુબી ગયેલી નૌકામાં મોતને ભેટેલા 135 લોકો POKના, પાકિસ્તાને 12 માનવ તસ્કરોની ધરપકડ કરી
બેહાલ બની ગયેલા પાકિસ્તાનને છોડીને લોકો કોઈ પણ રીતે બહાર જવા માંગે છે. જેના કારણે હવે પાકિસ્તાનમાં માનવ તસ્કરીનો ધંધો ફૂલી ફાલી રહ્યો છે.
તાજેતરમાં ગ્રીસના દરિયા કિનારે ઘૂસણખોરોથી ખીચોખીચ ભરેલી એક નૌકા ડુબી ગઈ હતી અને તેમાં મોતને ભેટેલા 135 લોકો પાકિસ્તાની હોવાનુ બહાર આવ્યુ છે.આ તમામ લોકો પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના હતા અને તેઓ યુરોપના કોઈ દેશમાં ઘૂસવા માટે નૌકા પર સવાર થયા હતા. કુલ મળીને બોટમાં 300 પાકિસ્તાનીઓ સવાર હતા.
ઘણાનુ માનવુ છે કે, પાકિસ્તાની સરકાર પોતે પણ ગેરકાયદેસર રીતે દેશ છોડીને યુરોપ કે કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જવા માંગતા લોકોને પ્રોત્સાહન આપી રહી છે.જેથી તેઓ બહાર જઈને વિદેશી હુંડિયામણ કમાઈ શકે અને દેશમાં મોકલી શકે.
ડુબી ગયેલા બોટ લિબિયાથી ઈટાલી જવાની હતી પણ દિશા ભુલી જતા ગ્રીસ નજીક પહોંચી હતી અને સમુદ્રમાં ડુબી ગઈ હતી. બોટના ઉપરના ડેક પર પુરુષો હતો અને નીચેના ડેક પર ઘેંટા બકરાની જેમ મહિલાઓ અને બાળકોને ભરવામાં આવ્યા હતા.
લંડનમાં રહેતા અને પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરના વતની ડો.અમજદ મિર્ઝાનુ કહેવુ છે કે, અત્યાર સુધીમાં મળેલી જાણકારી પ્રમાણે પીઓકેના 135 લોકોના આ હાદસામાં મોત થયા છે. આ પૈકીના 30 તો એક જ ગામના છે.ભારતના કાશ્મીરમાં લોકો એન્જિનિયર અને ડોકટર બની રહ્યા છે ત્યારે પીઓકેમાં રહેતા કાશ્મીરીઓ સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કર્મીનુ કામ કરવા મજબૂર છે. પીઓકેની ખરાબ હાલતથી તેઓ દેશ છોડી રહ્યા છે.
આ ઘટના બાદ હવે પાકિસ્તાની સરકારે દુનિયાને દેખાડવા માટે 12 જેટલા માનવ તસ્કરોને પકડયા છે. આ પૈકી નવ પીઓકેના છે.જોકે આ એક નાટક જ હોવાનુ કહેવાઈ રહ્યુ છે અને મૂળ સમસ્યા પર પાકિસ્તાની સરકાર ફોકસ કરવા માંગતી નથી.
Tags New Delhi rakhewaldaily