સાબરકાંઠામાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતા તેમજ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ક્ષય મુક્ત જિલ્લાના ૩૫ ગામોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું હતું કે અંગ્રેજીમાં ટ્યુબરક્યુલોસિસ તરીકે ઓળખતો ક્ષય એ માનવીમાં થતો ઘાતક અને ચેપી રોગ છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે. આ રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુની શક્યતા વધી જાય છે. સરકાર તરફથીની-ક્ષય પોષણ યોજના અમલી છે. જે ટીબી દર્દીઓને પોષણ માટે આર્થિક સહાય પૂરી પાડે છે.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સમિતિના ચેરપર્સન અનસૂયાબેન ગામેતી જણાવ્યું હતું કે ક્ષય મુક્ત ભારત બનાવાની શરુઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે. આ સાથે ઉપસ્થિત સરપંચ, તલાટી, તેમજ આરોગ્ય કેંદ્રના સ્ટાફને સંબોધીને જણાવ્યું હતું કે ક્ષય મુક્ત ગામ બનાવવા પ્રજાને માહિતગાર કરવાની સાથે ગામમાં જે વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેમને યોગ્ય સારવાર મળે તેનુ ધ્યાન રાખવું આવશ્યક છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યુ હતું કે નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેનો ઉદ્દેશ નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. વર્તમાન સમયમાં જંક ફુડના વધુ પડતા સેવનથી લોકોનું આરોગ્ય જોખમાયુ છે. જેની અસર બાળકોમાં પણ જોવા મળે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રાકૃતિક કૃષિ આવશ્યક છે.