રશિયન સૈન્યના હુમલામાં ૮૫ મિસાઈલો છોડી યુક્રેનના પ્રમુખની ઓફિસ તબાહ
ક્રીમિયાને જોડતા પુલ ઉપર હુમલો કરાયા પછી ઝનૂને ભરાયેલા રશિયાએ યુક્રેન ઉપર સૌથી ભીષણ ‘મિસાઇલ એટેક’ કર્યો છે. પાટનગર કીવ સહિત દેશના કેટલાયે વિસ્તારોમાં મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. રશિયાએ ઓછામાં ઓછા ૮૫ મિસાઇલ્સ છોડીને ઝેલેન્સ્કીની ઓફિસ પણ તબાહ કરી દીધી હોવાનો દાવો થયો હતો.કીવ ઉપરાંત ખમેલનયટસ્કી, ઝઇટોમયર અને લવીવને પણ નિશાન બનાવવામા આવ્યા છે. કીવના મેયરે કહ્યું હતું કે, સેન્ટ્રલ કીવમાં ઝેલેન્સ્કીની ઓફિસ પાસે પણ મિસાઇલ પડયું. જો કે, હવે તો ઝેલેનસ્કી પણ સામા તેટલા જ ઝનુને ચઢ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે આતંકીઓ સામે લડી રહ્યા છીએ. ડઝનબંધ રોકેટ્સ અને ઇરાનના આત્મઘાતી ડ્રોન દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે એવો સમય પસંદ કર્યો છે જે દરમિયાન વધુમાં વધુ નુકસાન થઈ શકે. એક અહેવાલ તો તેવા છે કે રશિયા ઝેલેન્સ્કી ઉપર સીધો હુમલો કરવા માંગે છે આથી જ તેણે સેન્ટ્રલ કીવ સ્થિત તેમની ઓફિસ ઉપર હુમલો કર્યો હતો. ઝેલેન્સ્કીએ એક વિડિયો પ્રસિદ્ધ કરીને લોકોને અપીલ કરી હતી કે રશિયા આતંકી હુમલા કરી રહ્યું છે. તેથી ઘરમાં જ રહેવું તે બેને ટાર્ગેટ કરે છે એક એનર્જી ફેસીલીટી અને બીજા યુક્રેનના લોકો. યુક્રેનના અનેક ઘરોની બારીઓ તૂટી ગઈ છે અનેક વાહનો ભસ્મ થઈ ગયા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે અમે કોઈ પણ સ્થિતિમાં સરેન્ડર નહીં કરીએ. અત્યાચાર સામે લડત ચલાવતા રહીશું. કીવમાં સંખ્યાબંધ હુમલા થતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો બંકરોમાં છુપાવવા માટે આમતેમ દોડતા હતા. બીજી તરફ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વીડિયોના માધ્યમથી અધિકારીઓને સંબોધતી વખતે ક્રીમિયાના પૂલને તોડી નાખવાની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. યુક્રેનના સૈન્યએ ક્રીમિયાનો પુલ તોડયો એને અયોગ્ય ગણાવીને પુતિને કહ્યું હતું કે યુક્રેનના સૈન્યએ ગેરવાજબી રીતે રશિયન ફેડરેશનના નાગરિક બાંધકામને તોડી પાડયું છે.