શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલને પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની બહાર ‘સેવાદાર’ ફરજ બજાવતા એક વ્યક્તિએ ગોળી મારી હતી. જ્યારે ગોળી દિવાલ સાથે અથડાઈ ત્યારે વ્હીલચેર પર બેઠેલા સુખબીર સિંહ બાદલ ભાગી છૂટ્યા હતા. આખરે સુખબીર સિંહ બાદલ પર ક્યા વ્યક્તિએ ગોળી ચલાવી અને તેનો હેતુ શું હતો? તમને જણાવી દઈએ કે ગોળીબાર કરનાર વ્યક્તિનું નામ નારાયણ સિંહ ચૌરા છે, જેણે ગોળી ચલાવી હતી જેનાથી ગભરાટ ફેલાયો હતો અને તરત જ ગોલ્ડન ટેમ્પલની બહાર ઉભેલા કેટલાક લોકોએ તેને પકડી લીધો હતો.
પંજાબમાં આતંકવાદના પ્રારંભિક તબક્કા દરમિયાન નારાયણ સિંહ ચૌરા 1984માં પાકિસ્તાન ભાગી ગયો હતો. ત્યાં તેણે ભારતમાં હથિયારો અને વિસ્ફોટકોના મોટા કન્સાઈનમેન્ટની દાણચોરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનમાં, તેણે ગેરિલા યુદ્ધ અને રાજદ્રોહ સાહિત્ય પર એક પુસ્તક પણ લખ્યું હતું. ચૌરા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યા કેસમાં શંકાસ્પદ હતા.
હાલ નારાયણ સિંહ ચૌરા પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. તેણે સુખબીર બાદલ પર શા માટે હુમલો કર્યો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસની પૂછપરછ બાદ જ સમગ્ર સત્ય બહાર આવશે.