કડી તાલુકાના નંદાસણ પોલીસે મોડી રાત્રે ગણેશપુરા પાટિયા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતી આઈ20 કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી રૂ. 72,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઇ સિસોદિયાને બાતમી મળી હતી કે મહેસાણાથી એક સફેદ આઈ20 કારમાં વિદેશી દારૂનો જથ્થો છત્રાલ થઈને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે ગણેશપુરા પાટિયા પાસે ધરતી સતી હોટલ નજીક વોચ ગોઠવી હતી.
શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા ચાલક કૃણાલ ઉર્ફે ગુડ્ડુ (રહે. નરોડા, અમદાવાદ) મળી આવ્યો હતો. કાર નંબર GJ RP 7165માંથી કુલ 525 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે નરોડામાં વિદેશી દારૂનો વેપલો કરે છે અને આ જથ્થો કટોસણના બાપુ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. પોલીસે કાર, દારૂની બોટલો સહિત કુલ રૂ. 3,75,090નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી કૃણાલ અને બાપુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલી કારમાં પાછળની નંબર પ્લેટ લગાવેલી ન હતી.