વેપારીઓ અને સમાજ ન્યાય માટે અડગ, શહેરમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ફટાકડા વેપારી એસોસિએશનના કર્મી મુકેશ ઠક્કરના અચાનક અને રહસ્યમય મૃત્યુએ શહેર સહિત જિલ્લામાં ભારે ખળભળાટ મચાવ્યો છે. મુકેશ ઠક્કરના મૃત્યુ પાછળ ૬ પત્રકારોનો ત્રાસ અને પૈસાની માંગણી કારણભૂત હોવાના ગંભીર આક્ષેપો ઠક્કર સમાજ અને વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉગ્ર રજૂઆતો અને દબાણને પગલે પોલીસે આખરે ૬ પત્રકારો સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેને કારણે ડીસામાં અત્યંત તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત સાંજે ડીસામાં ફટાકડા એસોસિએશનના કર્મી મુકેશ ઠક્કર અને એક પત્રકાર વચ્ચે કથિત રીતે પૈસાની માંગણી અને દબાણને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.ઉગ્ર વિવાદ બાદ આ મામલો ડીસા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ મથક ખાતે જ મુકેશ ઠક્કરની તબિયત અચાનક લથડી હતી અને તેઓ બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
મુકેશ ઠક્કરના અકાળે મૃત્યુના સમાચાર વહેતા થતાં જ ડીસાના તમામ ફટાકડા વેપારીઓ અને ઠક્કર-સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે ધસી ગયા હતા. વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતાં સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે મુકેશ ઠક્કરનું મૃત્યુ ‘પત્રકારોના માનસિક ત્રાસ’ અને ગેરવાજબી માંગણીઓના કારણે થયું છે. વેપારીઓએ ન્યાયની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.જો કે શરૂઆતમાં ફરિયાદ નોંધવામાં વિલંબ થતાં ઠક્કર સમાજ અને સિંધી સમાજ દ્વારા આરોપીઓ સામે તાત્કાલિક ફરિયાદ નોંધવાની ઉગ્ર માગ સાથે પોલીસને ઘેરી લેવામાં આવી હતી. પરિણામે, પોલીસે આ મામલે ૬ પત્રકારો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આક્રોશિત વેપારીઓ અને સમાજના લોકોએ ન્યાય ન મળે ત્યાં સુધી પીછેહઠ ન કરવાના વલણ સાથે જાહેર કર્યું કે, જ્યાં સુધી સમગ્ર મામલે કાનૂની અને ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મૃતક મુકેશ ઠક્કરની લાશ સ્વીકારશે નહીં. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે.જો કે પોલીસની સમજાવટથી પીએમ બાદ લાશ પરિવારજનો અંતિમવિધિ માટે લઈ ગયા હતા.
પીએમ રીપોર્ટ પર હર કોઈની નજર….
આ ઘટનાથી સામી દિવાળીએ ડીસાના વેપારી આલમ તેમજ સ્થાનિક સમાજમાં તંગદિલીનો અને ગમગીનીનો માહોલ છવાયો છે. હવે આ કેસમાં પોલીસની સઘન તપાસ અને પી.એમ. (પોસ્ટમોર્ટમ) રિપોર્ટ પર સૌની નજર ટકેલી છે, જેના આધારે જ મૃત્યુનું ચોક્કસ કારણ અને ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપોની સચ્ચાઈ બહાર આવશે.
નવનિયુક્ત મંત્રીનો સત્કાર સમારંભ મોકૂફ….
આ દુઃખદ ઘટનાના પગલે, રાજ્યના નવનિયુક્ત મંત્રી પ્રવીણભાઈ માળીએ ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે આજે શનિવારે પોતાના મંત્રી પદ નિમિત્તે આયોજિત સત્કાર સમારંભને તાત્કાલિક અસરથી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.મંત્રીએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને જણાવ્યું હતું કે આ કૃત્ય અમાનવીય છે અને તેને કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં.તેમણે મૃતકના પરિવારજનોની મુલાકાત લઈને તેમને અંગત સાંત્વના આપી હતી અને ખાતરી આપી હતી કે, સરકાર આ મામલે ગંભીરતાથી પગલાં લેશે અને મૃતકના પરિવારજનોને ઝડપી અને યોગ્ય ન્યાય મળશે.વધુમાંતેમણે ઉમેર્યું હતું કે, હાલમાં શોક અને સંવેદનાનો સમય છે, અને આવા દુઃખદ સમયે કોઈ ઉત્સવનું આયોજન કરવું યોગ્ય નથી. તેથી સત્કાર સમારંભની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.




