પોલીસે ભારે જહેમત બાદ સમજાવટને અંતે મામલો થાળે પાડ્યો; અમીરગઢ તાલુકાના કિડોતર ગામની સીમમાં આવેલા અવાવરું કુવામાંથી એક સગીરા નો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો.જોકે,સગીરાની હત્યા થઈ હોવાના આક્ષેપો સાથે સગીરાના પરિવાર જનો અને સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો ગરમાયો હતો. દરમિયાન, પોલીસની સમજાવટને અંતે મામલો થાળે પડ્યો હતો.
કીડોતર ગામની રબારી સમાજની 15 વર્ષની સગીરા ગૂમ થઈ ગઈ હતી.બાદમાં તેનો મૃતદેહ અવાવરું કુવામાંથી મળી આવ્યો હતો. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો હતો. જોકે, ઘટનાને પગલે એકત્ર થયેલા સગીરાના પરિવારજનો અને સમાજના આગેવાનોએ સગીરાની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, પોલીસે પેનલ પી.એમ. કરાવી જરૂરી બ્લડ સેમ્પલ, વિશેરા સહિતના સેમ્પલ એફએસ એલ માં મોકલી આપ્યા હોવાનું દાંતાના એ.એસ.પી.સુમન નાલાએ જણાવ્યું હતું.
જોકે, પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો શંકાસ્પદ આરોપીઓની ધરપકડ ની માંગ કરી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા હતા. ત્યારે પોલીસની કલાકોની જહેમત અને સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો. જોકે, પોલીસ તપાસમાં સગીરા ના અપમૃત્યુને લઈને શું બહાર આવે છે તે તો સમય જ બતાવશે.