મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલે માહિતી આપતાં જણાવેલ કે ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાએ વિવિધ વયજૂથમાં વિવિધ જિલ્લાના આશરે 4300 થી વધુ કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી. આપણી કલા -સંસ્કૃતિની વિરાસતને કાયમ રાખવાના તેમના પ્રયાસને અને શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડીના કલાપ્રેમી પદાધિકારીઓ, સંકુલના આચાર્યો, કર્મચારીગણ તેમજ સેવકગણના સરાહનીય સહયોગ અને આતિથ્ય સત્કારભાવની પ્રસંશા કરી હતી.
કલાકારોને એક અનોખું પ્લેટફોર્મ મળી રહે એ હેતુથી આ વર્ષે પણ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનમાં મહેસાણા જિલ્લાના નાની કડી ખાતે આવેલા ડી.રાજા વિદ્યાસંકુલમાં ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમને એક નવું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે તા.8 અને 9 ફેબ્રુઆરી એમ બે દિવસ ચાલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારના આવા કાર્યક્રમો થકી ઘણા કલાકારોને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે, જેને લઈ કલાકારોએ સરકારની કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડતી કામગીરીની પ્રશંસા કરી હતી.
કલા મહાકુંભ દ્વારા અનેક કલાકારો કે કલાવૃંદોને પ્રોત્સાહન મળ્યું છે. સારું પ્રદર્શન કરનાર કલાકારોને રાજ્ય કક્ષાએ તેમની કલા દર્શાવવાની તક મળશે. અલગ અલગ જિલ્લાના અનેક કલાવૃંદોએ તેમની કલા વડે ઉત્તર ઝોન કક્ષાએ નામ રોશન કર્યું છે.સાથે સાથે કલાવૃંદો દ્વારા તેમનામાં છુપાયેલી તેમની કલા પણ બહાર લાવવાનું પ્લેટફોર્મ કલા મહાકુંભથી મળી રહ્યું છે.જેમાં ગાયન, વાદન, સાહિત્ય અને સર્જનાત્મક કારીગરીની 30 કલાઓની સ્પર્ધા યોજાઈ હતી.વિવિધ જિલ્લાઓમાંથી પધારેલ તજજ્ઞ નિર્ણાયકો અને કલાકારોએ આયોજન અને વ્યવસ્થાને વખાણી રાજીપો વ્યક્ત કર્યો હતો એમ મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલે જણાવ્યું હતુ.