સ્વેચ્છાએ રક્તદાન કરનારા રક્તદાતાઓનો બેબાભાઈ શેઠ પરિવારે આભાર વ્યક્ત કર્યો; ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે સરહદને અડીને આવેલ પાટણ જિલ્લામાં ઇમર્જન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે રાષ્ટ્રના હિતમાં જવાનો અને નાગરિકો માટે બ્લડની જરૂરિયાત તુરંત પૂર્ણ કરી શકાય તે માટે રવિવારે પાટણના સદગૃહસ્થ બેબા શેઠના સૌજન્યથી પાટણની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ ધારપુર દ્વારા એક બોટલ દેશ કે નામ બ્લડ ડોનેશન કેમ્પનું સવારે ૯ થી સાંજે ૬ કલાક સુધી યશધામ બુકીગ કેમ્પસ,પદ્મનાભ ચાર રસ્તા નજીક આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં તમામ સમાજના લોકો એ દેશ સેવામાં સહભાગી બનવા પોતાના નું સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ માં અંદાજીત ૩૦૦ કરતાં વધુ રકતદાતાઓએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્વૈચ્છિક રક્તદાન કરવા બદલ તમામ રક્તદાતાઓ નો બેબાભાઈ શેઠ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પાટણના સુખ-દુઃખમાં હંમેશા તન મન અને ધનથી સહયોગી બનતા સેવાભાવી અગ્રણી બિલ્ડર બેબાભાઈ શેઠ દ્વારા આયોજિત આ મેગા બ્લડ કેમ્પમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ તેમજ પાટણ શહેરના રાજકીય- સામાજિક આગેવાનો અને પાટણની પ્રબુદ્ધ જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશ સેવાના કાર્યમાં સહભાગી બન્યાનું ગૌરવ અનુભવી બેબાભાઈ શેઠની સેવા પ્રવૃત્તિ ને સરાહનીય લેખાવી હતી.