દેશના ઘણા રાજ્યોમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. એક તરફ, કેરળમાં ચોમાસુ આવી ગયું છે, તો બીજી તરફ, શિમલામાં પણ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે. આ ઉપરાંત રાજધાની દિલ્હીથી મુંબઈ સુધી, મોટાભાગના સ્થળોએ વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. જોકે, આના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં લોકોને ચેતવણી આપી છે. સમુદ્ર કિનારે આવેલા રાજ્યોમાં રહેતા લોકોને દરિયા કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે.
શનિવારે સાંજે હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. રાજધાની શિમલાના રામપુરમાં પણ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે, જેના કારણે ઘણું નુકસાન થયું છે. રામપુર નજીક જગતખાનામાં વાદળ ફાટ્યું હતું, જેમાં ઘણા વાહનો તણાઈ ગયા હોવાની આશંકા છે. વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને એલર્ટ કર્યા છે. તેમજ સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક હવામાન કેન્દ્રે ૨૭ અને ૨૮ મેના રોજ તમામ ૧૨ જિલ્લાઓમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવા અને વીજળી પડવા સાથે વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૨૫ અને ૨૬ મેના રોજ સિરમૌર, સોલન, શિમલા, મંડી, કુલ્લુ, કાંગડા અને ચંબા જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.