પાટણ એલસીબીએ બિહારની કુખ્યાત ચદ્દર ગેંગના બે આરોપીઓને દિલ્હીથી ઝડપી પાડયા
રાધનપુરમાં થયેલી મોબાઈલની મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પાટણ એલસીબીએ બિહારની કુખ્યાત ચદ્દર ગેંગના બે આરોપીઓને દિલ્હીથી ઝડપી પાડયા છે. વીસેક દિવસ પહેલા રાધનપુર હાઈવે ચાર રસ્તા પર આવેલી રુદ્ર મોબાઈલ દુકાનમાંથી રાત્રે તાળું તોડીને ચોરી થઈ હતી. ચોરોએ દુકાનમાંથી ૬૪ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧૧,૦૪,૧૩૩ની ચોરી કરી હતી. પોલીસે તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાની ઘોડાસહન ચદ્દર ગેંગનો આ કામમાં હાથ હોવાનું શોધી કાઢયું હતું.
પાટણ એલસીબી પોલીસે દિલ્હીથી રાહુલ જયસ્વાલ અને મહંમદનશીમ અંસારીને પકડયા છે. પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે, અન્ય ત્રણ સાથીદારો સાથે મળીને ચોરી કરી હતી. ચોરી કરેલા મોબાઈલ નેપાળમાં રહેતા હસન નામના વ્યક્તિને વેચી દીધા હોવાની કબૂલાત કરી છે. આ ગેંગની કાર્યપદ્ધતિ એવી છે કે તેઓ મજૂરી કામના બહાને અલગ અલગ રાજ્યોમાં રહે છે. સોશિયલ મીડિયા દ્વારા મોબાઈલ શોરૂમની માહિતી મેળવે છે. રાત્રે દુકાનનું શટર ઊંચું કરી, બે માણસો ચાદર પકડી રાખે છે અને અન્ય લોકો દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરે છે. આ ગેંગ વિરુદ્ધ રાજસ્થાન, હરિયાણા, પાંડુચેરી, દિલ્હી અને મધ્યપ્રદેશમાં પણ ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ સફીક મલિક, મુસ્લિમઆલમ મલિક, હરિઓમ યાદવ અને હસન મલિક નામના અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. પાટણ એલસીબી ટીમ ચોરી થયેલો મુદ્દામાલ પરત મેળવવા માટે આગળની તપાસ કરી રહી છે.