ભૂસ્તર વિભાગનું ખાનગી રાહે આકસ્મિક ચેકીંગ : દંડકીય કાર્યવાહી હાથ ધરી,બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી ચાર રેતી ભરેલા ડમ્પર જપ્ત કર્યા છે, જેમાં પાસ પરમીટ વગર રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું.જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલ 1.20 કરોડ રૂપિયાનો છે. ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી રાહે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ભીલડી પાસેના સોયલા ગામ પાસેથી પસાર થઈ રહેલા ચાર ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ડમ્પરોને ભીલડી પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીત સિંહ સારસ્વાંના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભૂસ્તર વિભાગની ટીમ અવારનવાર ખાનગી રાહે ચેકિંગ કરીને ખનીજ ચોરીને ઝડપી પાડવામાં સફળ રહી છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી રાહે ચેકિંગ કરીને ખનીજ ચોરીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર ખાનગી વાહનમાં ખનીજ ચોરી ઝડપવા માટે સોયલા પાસે વોચમાં હતા. તેમણે ચાર ડમ્પરોને રોકીને પાસ પરમીટ માંગતા મળી આવ્યા ન હતા. જેથી તેમણે ડમ્પર નંબર RJ46GA5956, GJ08AW6551, GJ08AW8853 અને GJ08AW6555 ને જપ્ત કર્યા હતા. આ તમામ ડમ્પરોની કુલ કિંમત 1.20 કરોડ રૂપિયા છે. તમામ ડમ્પર માલિકો સામે ખનીજ ચોરીના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવશે.
ખનીજ ચોરોમાં ફફડાટ; ભૂસ્તર વિભાગની ટીમ હવે ખાનગી વાહનોમાં બેસીને વહેલી સવારે અને મોડી રાત્રે ચેકિંગ હાથ ધરી રહી છે, જેના કારણે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. ખનીજ ચોરી ઝડપાવાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે.