અમેરિકન ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ ભારતમાં ૧૭.૫ બિલિયન ડોલર (લગભગ ૧.૫૮ લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. આ કંપનીનું સમગ્ર એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ મંગળવારે X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. ભારતમાં માઇક્રોસોફ્ટનું આ રોકાણ AI ક્ષેત્રમાં હશે. માઇક્રોસોફ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની ૨૦૨૬ થી ૨૦૨૯ વચ્ચેના આગામી ચાર વર્ષમાં ભારતમાં ૧૭.૫ બિલિયન ડોલરનું રોકાણ કરશે, જે મોટા પાયે લોકો માટે AI સુલભ બનાવવામાં મદદ કરશે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ જાન્યુઆરી ૨૦૨૫માં જાહેર કરાયેલ માઇક્રોસોફ્ટની ૩ બિલિયન ડોલરની અગાઉની પ્રતિબદ્ધતાથી અલગ છે.”
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ, તેમણે X પર તેમની સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો. સત્ય નડેલાએ ફોટો પોસ્ટ કરતી વખતે માઈક્રોસોફ્ટની નવી રોકાણ યોજના વિશે માહિતી શેર કરી. સત્ય નડેલાએ X પર લખ્યું, “માઈક્રોસોફ્ટ ભારતના લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે $17.5 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ એશિયામાં અત્યાર સુધીનું અમારું સૌથી મોટું રોકાણ હશે. આ ભારતના AI ભવિષ્ય માટે જરૂરી માળખાગત સુવિધાઓ, કુશળતા અને સાર્વભૌમ ક્ષમતાઓનું નિર્માણ કરવામાં મદદ કરશે.”
પીટીઆઈના અહેવાલ મુજબ, માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે તેનું હૈદરાબાદ સ્થિત ભારત દક્ષિણ મધ્ય ક્લાઉડ ક્ષેત્ર, જેનો કુલ કદ લગભગ બે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ જેટલો છે, તે 2026ના મધ્ય સુધીમાં કાર્યરત થઈ જશે. કંપનીએ 2030 સુધીમાં ભારતમાં AI-સક્ષમ પ્રતિભા વિકસાવવાના લક્ષ્યને 10 મિલિયનથી બમણું કરીને 20 મિલિયન કરી દીધું છે.
માઈક્રોસોફ્ટ પહેલા, ગુગલે 14 ઓક્ટોબરે ભારતમાં AI હબ સ્થાપિત કરવા માટે આગામી પાંચ વર્ષમાં $15 બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી, જેમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર અદાણી ગ્રુપ સાથે ભાગીદારીમાં હશે. બ્રુકફિલ્ડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને યુએસ સ્થિત ડિજિટલ રિયલ્ટી વચ્ચેના સંયુક્ત સાહસ, ડિજિટલ કનેક્શન્સે પણ $11 બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી

