તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી
મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મનરેગા યોજનામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થતો હોવાના ખુલાસા અનેક અખબારો અને ટીવી ચેનલોમાં પ્રસિદ્ધ થયા છે. તેમાંય કજાસ કરીને જો વાત કરવામાં આવે તો જિલ્લાના વિજાપુર અને તેની આજુબાજુના ગામોમાં મોટાપાયે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં વ્યો છે. જેના વિરોશમાં અનેકવાર ગ્રામજનોએ રજુઆત કરી વિરોધ દર્શાવ્યો છે. જેમાં કામ કર્યા વગર જ કાગળ પર વિકાસના કામો બતાવી લાખોની ઉચાપત કરવાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં જીવા મળી રહ્યા છે. આવો જ એક મનરેગા યોજનામાં કૌભાંડનો બીજો કિસ્સો વિસનગર તાલુકામાં બનવા પામ્યો છે જેમાં કામ કર્યા વગર જ મનરેગા યોજના હેઠળ વિકાસ કામો બતાવીને લાખો રૂપિયાની ઉઠાંતરી કરવાની ઘટના સામે આવી છે. જે અંતર્ગત વિસનગર તાલુકાના મહમદપુર (મેતપુર) ગામમાં જાગૃત નાગરિકોએ સમગ્ર કિસ્સો ઉજાગર કરી મનરેગા યોજનામાં કેટલો ભ્રષ્ટાચાર આચરીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. તેનો પર્દાફાશ કર્યો છે જેની તપાસની માંગ સાથે તંત્ર સામે બાંયો ચઢાવી છે. વિસનગર તાલુકાના મહમદપુર (મેતપુર) ગામમાં સરકારી યોજનાઓના નામે આચરવામાં આવેલા મોટા આર્થિક કૌભાંડથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને પુરાવા સાથે લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
દસ્તાવેજોનો દુરુપયોગ અને બેંક ફ્રોડ રજૂ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, ગામના ૪૨ જેટલા નિર્દોષ ગ્રામજનોના પર્સનલ દસ્તાવેજોનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રામજનોની જાણ બહાર તેમના નામે બેંક ખાતા ખોલાવી દેવામાં આવ્યા હતા અને મનરેગા યોજના હેઠળ મળતા સરકારી નાણાં ભ્રષ્ટાચારીઓ દ્વારા બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હોવાના ગંભીર પુરાવા રજૂ કરાયા છે. કાગળ પર કામ અને નાણાંની ઉચાપત આક્ષેપ છે કે ગામમાં એવા ઘણા કામો છે જે વાસ્તવિકતામાં ક્યારેય થયા જ નથી. છતાં ભ્રષ્ટાચારી તત્વોએ મિલીભગત કરીને આ કામોના ખોટા ઠરાવો કર્યા અને કામ કર્યા વગર જ સરકારી તિજોરીમાંથી નાણાં સગેવગે કરી નાખ્યા છે. આમ તટસ્થ તપાસની માંગ સાથે હાલમાં આખા ગામની નજર તંત્રની કાર્યવાહી પર અટકેલી છે. ગ્રામજનોએ આગ્રહ કર્યો છે કે જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે સત્વરે, નિષ્પક્ષ અને નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


