રાજ્યના રેડઝોન ૯ જિલ્લામાં કોરોના રિકવરી દર ૨ સપ્તાહમાં ૨૪.૦૮% વધીને ૩૮.૨૩% થયો
મહેસાણા : રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ ફોર્સ અને દર્દીઓના મક્કમ મનોબળ વચ્ચે રાહતના સમાચાર એ છે કે હવે રેડ ઝોનમાં પણ કોરોનાનો રિકવરી દર ઝડપથી વધી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા મહાનગર સહિત નવ જિલ્લાને સમાવતા રેડઝોનમાં છેલ્લા બે સપ્તાહમાં ૨૪.૦૮ ટકા રિકવરી દર વધ્યો છે. એટલે કે ૧લી મેના રોજ ૧૪.૧૫ ટકા હતો, જે ૧૬ મેના રોજ ૩૮.૨૩ ટકા થયો છે. રાજ્યમાં પણ રિકવરી દર ૧૬મેની સ્થિતિએ ૩૯.૨૦ ટકા થયો છે.
દરેક જિલ્લાનો રિકવરી રેટ વધ્યો અમદાવાદનો રિકવરી દર બે સપ્તાહમાં સરેરાશ ૨૦ ટકા જેટલો વધ્યો છે. ૧લી મેએ ૧૨.૧૧ ટકા હતો, તે ૧૬મેની સ્થિતિએ ૩૧.૨૫ ટકાએ પહોંચી ગયો છે. એ જ પ્રમાણે સુરતમાં પણ રિકવરી દર ૫૫.૨૫ ટકા વધ્યો છે. ૧મેએ ૧૦.૨૪ ટકા હતો, તે ૧૬મેએ ૬૫.૪૯ ટકા થયો છે. વડોદરામાં રિકવરી દરમાં ૨૬.૫૭ ટકાનો વધારો નોંધાયો છે. ૧મેએ ૩૩.૧૧ ટકા હતો, જે વધીને ૫૯.૭૮ ટકા થયો છે. તો આણંદમાં ૧લીએ રિકવરી દર ૪૦.૫૪ ટકા હતો, જે ૮૬.૫૮ ટકાએ પહોંચી ગયો છે, જે રેડઝોનમાં સૌથી વધુ છે. જ્યારે ભાવનગરમાં ૧લીએ ૪૪.૬૮ ટકા હતો, તે ૬૪.૪૮ ટકા થયો છે. રાજકોટ, મહેસાણા, ભરૂચ સહિતના ૧૯ જિલ્લાને સમાવતા ઓરેન્જ ઝોનમાં છેલ્લા બે સપ્તાહમાં રિકવરી દર ૧૪.૪૭ ટકા વધ્યો છે. ૧લી મેએ આ દર ૪૩.૩૧ ટકા હતો, જે ૧૬મીની સ્થિતિએ વધીને ૫૭.૭૮ ટકા થયો છે. જ્યારે ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ ૫ જિલ્લામાં ૧લી મે સુધી કોઈ ઓક્ટિવ કેસ નહોતો એટલે રિકવરી દર ૧૦૦ ટકા હતો. ૧૬મેની સ્થિતિએ પાંચે જિલ્લામાં કુલ ૨૪ કેસ નોંધાયા, જેમાં ૮ને રજા અપાતાં રિકવરી દર ૩૩.૩૩ ટકા રહ્યો છે.