ઉમિયા મંદિરે સી આર પાટીલની રજતતુલા કરાઈ, રેલી સાથે ઊંઝામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા

મહેસાણા
મહેસાણા

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલનું ઊંઝા શહેરમાં ભાજપના કાર્યકરો અને નેતાઓએ રેલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર દ્વારા પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. જો કે અહીં પણ અંબાજી, પાલનપુર અને પાટણની માફક સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. પાટીલ ઉત્તર ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે પાટણ જિલ્લાની મુલાકાત પૂર્ણ કરી ઊંઝાથી મહેસાણા જિલ્લામાં પહોંચ્યા હતા. આજના પ્રવાસ દરમિયાન ઊંઝા અને મહેસાણામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા.

કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે પૂજા અર્ચન કર્યા બાદ ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પાટીલની રજતતુલા કરાઇ હતી, જેમાં 96 કિલો ચાંદીની તુલા થઇ હતી, જે પૈકી 51 કિલો ચાંદી પાટીલે ઉમિયા માતાજી સંસ્થાનને અર્પણ કરી હતી. બાદમાં અહીં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ભાજપના કાર્યકરોને સંબોધન કરી પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા કામે લાગી જવા હાકલ કરી હતી. આ સમયે તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ હાજર રહ્યા હતા. પાટીલ ઊઝાથી ઉનાવા થઈ મહેસાણા પહોંચ્યા હતા અહીં ભાજપના કાર્યકરો દ્વારા અભૂતપૂર્વ સામૈયું અને સ્વાગત કરવામાં આવ્યું હતું પાટીલે સમાજના અગ્રણીઓ વેપારીઓ સહિતની બેઠક બાદ પક્ષના કાર્યકરો સાથે બેઠક કરી હતી.

સી આર પાટીલ આજે ઊંઝા પહોંચ્યા હતા. દરમિયાન ડીસાની ગઈકાલની સભાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. તેમના સ્વાગત બાદ મંચ પરથી તેમણે સંબોધન કર્યું હતું. પરંતુ આ દરમિયાન તેમણે ભાજપના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોના નામ પણ ન જાણતા હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. તેમણે જાહેર મંચ પાછળ બેઠેલા લોકોને પૂછી-પૂછીને ધારાસભ્યો તથા સંગઠનના હોદ્દેદારોના નામ બોલ્યા હતા. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ અને પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિનું નામ કાર્યકરોએ યાદ કરાવ્યું હતું. આ સંબોધનના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન લેઉવા પાટીદારોના કુળદેવી કાગવડ સ્થિત ખોડીયાર માતાજીના મંદિરની મુલાકાત લીધી હતી. કારણ કે સૌરાષ્ટ્રમાં પાટીદારોનું જબરદસ્ત વર્ચસ્વ છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખાસ્સું નુકસાન આ વિસ્તારમાં ભોગવવું પડ્યું હતું. તો વળી કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ તરીકે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને મુકતાં અને ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદારને જ નિમણૂક કરવામાં આવશે. તેવી ગણતરી વચ્ચે બિનગુજરાતી સી આર પાટીલની પસંદગી કરાતાં પાટીદારો અંદરખાને ખાસ્સા નારાજ છે, એ દષ્ટિએ પાટીદારોની નારાજગી તોડવા પહેલા કાગવડ અને આજે ઉતર ગુજરાતના પ્રવાસ દરમિયાન ઊંઝા ઉમિયા માતાજીના મંદિરની ખાસ મુલાકાત લીધી હતી. જે રાજકીય સૂચક માનવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.