જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
વિસનગર તાલુકાના ખરવડા ગામે રહેતી મહિલાએ તેના જ ગામના એક શખ્સ સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. જ્યાં મહિલા ફરીથી પોતાના ગામમાં પરત આવતા મહિલાના પરિવારજનોએ પ્રેમલગ્નની જૂની અદાવત રાખી છરી વડે હુમલો કરી તેમજ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તાલુકાના ખરવડા ગામે રહેતા પરેશાબેને પાંચ વર્ષ અગાઉ પાડોશી ઠાકોર સુરેશજી પ્રતાપજી સાથે મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. જ્યાંથી તેઓ ગામ છોડી બહાર જતા રહ્યા હતા અને છેલ્લા બે દિવસથી ખરવડા ગામે આવ્યા હતા. જ્યાં ગત તારીખ 09/01/2024ના રોજ રાત્રિના સમયે પરેશાબેન બાથરૂમ જવા નીકળ્યા હતા તે દરમિયાન ભાઈ રાવળ ચેતન ભાઈ, પિતા રાવળ ડાહ્યાભાઈ, કાકા છકરાભાઈ અને કાકાનો દીકરો રાવળ રાહુલ હાથમાં છરી અને ધોકો લઈ આવી પહોંચ્યા હતા. તું અહીંયા ગામમાં કેમ આવી છે તેમ કહી ચારેય અપશબ્દો બોલવા લાગ્યા હતા.
પરેશાબેને અપશબ્દો બોલવાની ના પાડતાં તેના ભાઈએ છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે તેના પિતા, કાકા અને કાકાના દીકરાએ ધોકા વડે માર માર્યો હતો. જ્યાં પરેશાબેને બૂમાબૂમ કરી મુકતા આજુબાજુમાંથી લોકોએ આવી વધુ મારમાંથી બચાવ્યા હતા અને ચારેય જણા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા. જેથી આ બનાવ અંગે પરેશાબેને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે રાવળ ચેતનભાઈ ડાહ્યાભાઈ, રાવળ ડાહ્યાભાઈ કવાભાઈ, રાવળ છકરાભાઈ કવાભાઈ અને રાવળ રાહુલ છકરાભાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.