લગ્નના એક વર્ષમાં જ સાસરિયાના ત્રાસે 20 વર્ષીય પરિણીતાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મહેસાણા
મહેસાણા

બેચરાજીમાં આવેલા દેલવાડા ગામે લગ્નના એક વર્ષમાં જ સાસરિયાના ત્રાસે 20 વર્ષીય પરિણીતાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના બાદ પરિણીતાનો પતિ તેમજ અન્ય સભ્યો હાલમાં ફરાર છે. ત્યારે મૃતક પરિણીતાના પિતાએ મોઢેરા પોલીસમાં સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોઢેરા પોલીસે પણ કેસની ગંભીરતા સમજી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાસકાંઠા જિલ્લાના સિહોરી ગામે રહેતા રમુભા ડાભીની દીકરીના લગ્ન મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા દેલવાડા ગામે રહેતા સોલંકી રામપાલસિંહ ઉર્ફ ગિતુભા સાથે 14 માર્ચ 2023 ના રોજ સમાજના રીતરિવાજ પ્રમાણે કરાવવામાં આવ્યા હતાં. જોકે, લગ્નના થોડા જ માસ દરમિયાન પતિ તેમજ દાદી સાસુ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

15 માર્ચ 2024ના રોજ પરિણીતાના પિયરમાં સામાજિક પ્રસંગ હોવાથી બને દંપતી સિહોરી ખાતે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. જ્યાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા ત્યારબાદ પરિણીતા એ સાસરીમાં જવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન પરિણીતા એ સમગ્ર મામલે પોતાના પિતાને જાણ કરી હતી કે તેનો પતિ અને દાદી સાસુ પુંજીબા ત્રાસ આપે છે. ત્યારબાદ પરિણીતાના પિતાએ પણ દીકરીને સાસરી મોકલવાની ના પાડી હતી. જોકે, પરિણીતાના પતિ એ કહ્યું કે, જો તેની પત્ની સાસરી નહિ આવે તો “હું કેનાલમાં કૂદી આપઘાત કરીશ”આ સાંભળતા પરિણીતાના પિતા ગભરાઈ ગયા હતા જેથી દીકરીનો સંસાર બગડે નહીં તે માટે તેણે સમજાવીને સાસરી મોકલી આપી હતી.

16 માર્ચ 2024ના સવારે પરિણીતા એ પોતાન ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર દેલવાડા ગામમાં ચકચાર મચી હતી. જ્યાં દીકરીના મોતના સમાચાર પિયર રહેલા તેના પરિવાર જનોને જાણવા મળતા તેઓ તાત્કાલિક બેચરાજી સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરે પી.એમ કર્યા બાદ મૃતદેહ પિયર પક્ષને સોંપ્યો હતો. જોકે, પરિણીતાના અંતિમ સંસ્કાર પણ તેના સાસરીમાં નસીબ ના થતા પિયરમાં કરવાની ફરજ પડી હતી.

સમગ્ર કેસમાં મોઢેરા પોલીસ મથકમાં પી.એસ.આઈ એચ.એલ.જોષીના જણાવ્યાં પ્રમાણે ઘટના બાદ પરિણીતાનો પતિ અને દાદી સાસુ ફરાર છે. હાલમાં મૃતકના પિતાએ મોઢેરા પોલીસમાં દાદી સાસુ સોલંકી પુંજીબા સુરસગજી અને સોલંકી રામપાલ સિંહ જીતુભા વિરુદ્ધ કલમ.ક.306,114 મુજબ ફરિયાર નોંધાઇ છે. પોલીસે પણ તજવીજ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.