ઊંઝામાં વિક્રમ વસુલીનો આતંક : હોટલમાં જમવા મુદ્દે તોડફોડ

મહેસાણા
મહેસાણા

ઊંઝા શહેરમાં એપીએમસી ગેટ નંબર ૮ ની સામે આવેલ દેવકૃપા ભોજનાલયમાં જમવા આવેલ ઈસમોને હોટલ માલિકે જમવાનું પતી ગયું હોવાથી ના પાડતાં ઉશ્કેરાયેલા ઈસમોએ ગાળો બોલી એક સંપ થઈ હોટલમાં તોડફોડ મચાવી હોટલ માલિકને ગડદાપાટુંનો મારમારી ઈજાઓ પહોંચાડતા વિક્રમ વસૂલી સહિત છ જણા સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વિગતો અનુસાર ઊંઝા એપીએમસી ગેટ નંબર ૮ સામે દેવકૃપા ભોજનાલય ધરાવતા મૂળ બાડમેર જિલ્લો રાજસ્થાનના દેવેન્દ્ર ચેનારામ જાટ ગઇ તા.૮ જુલાઇ રાત્રિના પોતાની હોટલ પર હતા તે દરમિયાન વિક્રમ ઉર્ફે વસૂલી ઠાકોર અને તેનો મિત્ર હાર્દીક ઠાકોર સહિત બીજા ચાર ઈસમો જમવા આવતા જમવાનું પતી ગયું હોઇ ના પાડતાં ઉશ્કેરાઇ જઈ ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઈસમોએ દેવેન્દ્ર ભાઈને હોટલ પર પડેલ ખુરશીઓથી તેમજ ગડદાપાટુંનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ ખુરશીઓ અને ટેબલ તોડી નાંખી ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્તને સારવાર અર્થે ઊંઝા સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે દેવેન્દ્રભાઈ એ ઊંઝા પોલીસ સ્ટેશનમાં વિક્રમ ઉર્ફે વસૂલી ઠાકોર તેમજ હાર્દિક ઠાકોર સહિત છ જણા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ એન.બી.ઝાલા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉંઝા શહેરમાં વિક્રમ વસુલીનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે જેની સામે પોલીસ લાચાર હોય તેવું ઉંઝાની જનતામાં ચર્ચાઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.