![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/safe_image.jpg)
ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતાં સંચાલકોમાં ફફડાટ
રખેવાળ ન્યુઝ મહેસાણા : મહેસાણા જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્ધારા છેલ્લા ર૦ દિવસમાં ૧૯ જેટલા બાયોડીઝલ પંપ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં એક પંપ પરથી નમુના પણ લેવામાં આવ્યા છે. તેમજ છેલ્લા ૧૦ દિવસમાં મહેસાણા તાલુકાનાં ચાર પંપ પર તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરતા બાયોડીઝલનું વેચાણ કરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મહેસાણા જિલ્લામાં પુરવઠા વિભાગની ટીમ દ્ધારા તા.૩૦ સપ્ટેમ્બરથી ૧૯ ઓક્ટોબર દરમિયાન જિલ્લામાં ૧૯ સ્થળોએ ચાલતા બાયોડીઝલ પંપ પર તપાસ હાથ ધરાઈ હતી. તેમાં સૌથી વધુ મહેસાણા તાલુકામાં ૭ જેટલા પંપો પર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં કડીમાં પાંચ, વિજાપુર વિસનગર અને ઉંઝામાં ૪ અને ખેરાલુંમાં ૧ મળી કુલ ૧૯ જેટલા પંપો પર તપાસ કરવામાં આવી હતી. પુરવઠા વિભાગની તપાસને પગલે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા પંપ સંચાલકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી કૃપાલી મિસ્ત્રીએ જણાવ્યા મુજબ બાયોડીઝલના પંપમાં અન્ય કેમિકલ મિલાવટની આશંકા હોવાથી તે પર્યાવરણને ભારે નુકશાન કારક છે. પંપ સંચાલકો આવું મિલાવટવાળુ ડીઝલ છકડા ,સ્કુટર કે નાના વાહન ચાલકોને વેચાણ માટે આપતા હોય છે. જેથી તેના ધુમાડાના કારણે વાતાવરણમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે.