મહેસાણા તાલુકા પંચાયતની સભા યોજાઈ : ગામોની યાદી વિના જ ગોઝારિયા અને કુકરવાડા તાલુકા માટે ઠરાવ

મહેસાણા
મહેસાણા

મહેસાણા તાલુકા પંચાયતની ખાસ સભામાં ગતરોજ ગોઝારિયા અને કુકરવાડા તાલુકાની સ્થાપના અને રચના કરવા માટેની સંમતી દર્શાવતો ઠરાવ બહુમતીથી કરાયો હતો. સભામાં મહિલા સદસ્યાએ કહ્યું કે, ગોઝારિયા અને કુકરવાડામાં ક્યા ગામો છે તે જણાવો. જોકે, ગામોની યાદી મળી ન હોવાનું કહી અધિક કલેક્ટર અને મામલતદારના પત્ર અન્વયે આ બાબતે ઠરાવ કરી મોકલવાનો હોવાનો જવાબ ટીડીઓએ આપ્યો હતો અને સંમતી કે અસમંતી બાબતે હાથ ઊંચા કરાવી સદસ્યોના મત મેળવાયો હતો. જેમાં પ્રમુખ ભોગીભાઇ પટેલ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન સહિત ભાજપના 16 સભ્યોએ બંને તાલુકા માટે સંમતી આપી હતી. જ્યારે કોંગ્રેસના તમામ 10 સભ્યોએ અસંમતી અને એક સભ્ય તટસ્થ રહ્યા હતા.મહેસાણા તાલુકા પંચાયત હોલમાં શુક્રવારે પ્રમુખ ભોગીભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ખાસ સભામાં કોંગ્રેસના સદસ્યો અને ભાજપના એક મહિલા સદસ્યએ ગોઝારિયા અને કુકરવાડા તાલુકામાં કયા કયા ગામો સમાવેશપાત્ર છેની યાદી ટીડીઓ પાસે માંગી હતી. જોકે, ટીડીઓ દર્શન પટેલે અધિક કલેક્ટર અને મામલતદારના પત્ર અન્વયે સંમતીદર્શક ઠરાવની કોપી તમામ સદસ્યોને આપી ગામોની યાદી મળેલી નથી, સંમતી કે અસંમતી બાબતે હાથ ઊંચો કરી મત દર્શાવવા જણાવ્યું હતું.જેમાં સભામાં ઉપસ્થિત 32 પૈકી 31 સદસ્યોમાંથી ગોઝારિયા તાલુકો બનાવવામાં 16 સદસ્યોએ સંમતી અને 14એ અસંમતી દર્શાવી હતી. જ્યારે કુકરવાડા તાલુકો બનાવવામાં 18 સદસ્યોની સંમતી અને 12 અસમંત બતાવી હતી. ભાજપના સદસ્ય રાજેન્દ્ર જેઠાભાઇ પટેલ તટસ્થ રહ્યા હતા, જ્યારે મધુબેન ઠાકોર ગેરહાજર હતા. આમ, બંને તાલુકા બનાવવા સંમતી દર્શાવતો ઠરાવ બહુમતીથી પસાર કર્યો હતો.આ સાથે ધાંધુસણ ગ્રામ પંચાયતના સરપંચનું રાજીનામુ મંજૂર કરાયું હતું. તાલુકા પંચાયતના વર્ષ 2022-23ના વાર્ષિક હિસાબો મંજૂર કરાયા હતા. જોકે, વિપક્ષના સદસ્ય નટવરજી મકવાણાએ હિસાબો બતાવ્યા વગર મંજૂર કરી દેવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો. શરૂઆતમાં કેટલાક સદસ્યોએ હાજરીપત્રકમાં પણ સહી ન કરતાં મત દર્શાવવા નહીં મળે તેમ અધિકારીએ જણાવ્યા બાદ તેમણે સહી કરી હતી.ભાજપના ડેલીગેટ કલ્પનાબેન બીપિનભાઈ પટેલે ગોઝારિયા અને કુકરવાડા બંને તાલુકો બનાવવા અંગે અસંમતી દર્શાવી હતી. તો ગોઝારિયા માટે રીતેશભાઈ અંબાલાલ પટેલ, દિનેશભાઈ વિઠ્ઠલદાસ સુથાર અને પ્રિયંકાબેન રવિકુમાર રાણાએ અસંમતી દર્શાવી છે. જ્યારે કુકરવાડા માટે કેતનકુમાર અમૃતભાઈ પટેલે અસમંતી દર્શાવી હતી.તાલુકા પંચાયતના વિપક્ષના નેતા દોલતબીબી પઠાણે કહ્યું કે, બે તાલુકાની રચના કરવા માટે સંમતી દર્શાવતા ઠરાવ કરવાની દરખાસ્તમાં ગામોની યાદી દર્શાવેલી નથી. આ અધૂરી દરખાસ્ત હોવા છતાં પંચાયત ધારાની વિરુદ્ધ ગેરકાયદે કાર્યવાહી કરાઇ છે. તાલુકાથી કેટલું અંતર, વિસ્તાર, વસ્તી બધા માપદંડો સ્પષ્ટ હોવા જોઇએ. જરૂર પડશે તો કોર્ટનો આશરો લઇશું. વડસ્માના કોંગી ડેલીગેટ નટવરજી મકવાણાએ કહ્યું કે, ગામોની યાદી જ જાહેર કરી ન હોઇ વિરોધ દર્શાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.