PMના ડભોડા ખાતેના કાર્યક્રમ અંગે CMએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પૂર્વ તૈયારીની સમીક્ષા કરી
કલેકટર કચેરી મહેસાણા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે વડાપ્રધાનના હસ્તે થનારા વિકાસલક્ષી વિકાસ કામોના ખાતમર્હુત અને લોકાર્પણના કાર્યક્રમ અંગેના પૂર્વ આયોજન બાબતે વિડીયો કોન્ફરન્સ થી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે પુર્વ આયોજનની બેઠક કરી હતી.બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના યોજાનારા કાર્યક્રમમાં પૂર્વ તૈયારી તેમજ સંબધિત સુરક્ષા અંગે સંકળાયેલી સગવડો અને વ્યવસ્થાઓ બાબતે ખાતરી કરી યોગ્ય ચોકસાઈ રાખવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.કલેક્ટર એમ નાગરાજને વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ વ્યવસ્થા ની વિગતો રજૂ કરી હતી તેમજ આ તકે ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સ્થાનિક બાબતો અને વ્યવસ્થા ની માહિતી રજૂ કરીને મુખ્યમંત્રી ને કાર્યક્રમના સુચારુ અને વ્યવસ્થિત આયોજન બાબતે અવગત કર્યા હતા.
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સંદર્ભે જિલ્લામાં મહેસાણા જિલ્લા સહિત ખેરાલુના આજુબાજુના વિસ્તારોમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન બાબતે મુખ્યમંત્રીને અવગત કર્યા હતા. સ્વચ્છતા અભિયાન માટે સમગ્ર જિલ્લામાં થઈ રહેલી સફાઈ ઝુંબેશ અને તેમાં સ્વંયભૂ જન સહયોગ મળી રહ્યો છે તેમ જણાવ્યું હતું.