મહેસાણાના માનવઆશ્રમ વિસ્તારને નર્મદાનું પાણી આપવા કરાયેલા ટેસ્ટિંગ સમયે પાઇપલાઇન લીકેજ હોવાનું ખુલ્યું, કોન્ટ્રાક્ટરને નોટિસ

મહેસાણા
મહેસાણા

મહેસાણા માનવ આશ્રમ વિસ્તારની સોસાયટીઓને નર્મદાનું વધારે પાણી પહોંચાડવા નાગલપુરથી ગાંધીનગર લીંક રોડ સુધીની 9.5 કિમીની પાઇપ લાઇનમાં ટેસ્ટિંગ માટે પાણી છોડાતાં હેડુવા રેલવે ક્રોસિંગ નજીક લીકેજ જણાયું હતું. આ લીકેજનું મરામત સ્વખર્ચે કરવા કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઇ હોવાનું ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું. માનવઆશ્રમ વિસ્તાર નર્મદા જળ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિસ્તારની સોસાયટીઓમાં નર્મદાના પાણી માટે માંગ કરાઇ રહી છે. પાણી પુરવઠા બોર્ડમાંથી શહેરને વધુ દોઢ એમએલડી નર્મદાનું પાણી ફાળવણી કરાતાં માનવ આશ્રમ વિસ્તાર સુધી પાણી પહોંચાડવા પાલિકાએ કવાયત હાથ ધરી છે. જેમાં નાગલપુર ખાતે અંદાજે 900 મીટરની નવી પાઇપલાઇન નાંખી છે અને આ લાઇનને ત્યાંથી બે વર્ષ પહેલાં તૈયાર નાગલપુર, આરટીઓ, શોભાસણ સાઇડ થઇ હેડુવા, મહેસાણા-અમદાવાદ રેલવે લાઇન થઇ ગાંધીનગર લીંક રોડ સધી માતા મંદિર સુધી 9.5 કિમીની લાઇનમાં જોઇન્ટ આપી નાગલપુર સમ્પથી નર્મદાનું પાણી આપવા ટેસ્ટિંગ કરાયું હતું. આ પાઇપલાઇનમાં હેડુવા રેલવે ક્રોસિંગના સામે છેડે ખેતર બાજુ 60 મીટર પાઇપમાં લીકેજ (પંક્ચર) હોવાનું જણાયું હતું. જેથી સધી માતા મંદિર ટાંકી સુધી પાણી પહોંચી શક્યું નથી. ત્યારે રેલવે ક્રોસિંગ ટ્રેક 720/1-2 નજીકમાં નર્મદા પાણી લાઇનમાં 120 મીટર પાઇપલાઇન બદલી જોઇન્ટ આપવાની કામગીરી હાથ ધરાઇ છે. શહેરના ભમ્મરિયા નાળા નજીક ગટર લાઇનનું પાણી બેક મારી કુંડીમાંથી ઉભરાઇને નાળામાં ભરાવાની સમસ્યા છેલ્લા 15 દિવસથી રોજ સવારે સર્જાતી હોઇ નગરપાલિકા દ્વારા ત્રણ રાત્રીથી સાઇડમાં નવી લાઇન નાંખવાની કામગીરી શરૂ કરાઇ છે. પાલિકાના ડ્રેનેજ શાખાના ઇજનેરે કહ્યું કે, નાળા સાઇડ દુકાન પાસે પમ્પિંગના એન્ડ પોઇન્ટની કુંડી હોઇ છેક કસ્બા સુધીની લાઇનમાં વચ્ચે ક્યાંક ચોકઅપ થાય તો પાણી એન્ડ પોઇન્ટ પર બેક મારી બહાર ફેલાતું હોય છે. અહીં ઉભરાતું પાણી નાળાની બીજી લાઇન મારફતે નિકાલ થતો હતો. જોકે, નાળામાં કામગીરી દરમિયાન લાઇન તૂટી હોઇ અહીં નવી લાઇન નંખાઇ રહી છે. બુધવાર સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે એટલે કુંડીના ઉભરાતા પાણીનો નવી લાઇન મારફતે નિકાલ થઇ શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.