ઊંઝા એપીએમસીની ચુંટણીમાં ૧૦૦ ફોર્મમાંથી ૮૭ ફોર્મ માન્ય જ્યારે ૧૩ ફોર્મ રદ્દ થયા
ખેડૂત વિભાગમાં ૭ અને વેપારી વિભાગમાં ૬ ફોર્મ રદ્દ થયા: એશિયા ખંડની સહુથી મોટી એવી ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇ ફોર્મ ભરવાની પ્રક્રિયા થતાં કુલ ૧૫ બેઠકો માટે ૧૦૦ ફોર્મ ભરાયા હતા. જેમાં આજે ઊંઝા એપીએમસી ખાતે ચકાસણી દરમિયાન કુલ ૧૩ ફોર્મ રદ્દ થતાં ૮૭ ફોર્મ રહેવા પામ્યા છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ઊંઝા એપીએમસીના પુર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, પુર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ સહિત વેપારીઓ ખેડૂતો પોતાનાં ઉમેદવારી પત્રો ભર્યા છે.
આજે ફોર્મ ચકાસણી હોઈ ચકાસણી દરમિયાન આવેલ ૧૦૦ ફોર્મમાંથી ૧૩ ફોર્મ રદ્દ થતાં ૮૭ માન્ય રહ્યા છે. ખેડૂત વિભાગમાં ૭૪ ફોર્મ ભરાયા હતા જેમાં ૭ ફોર્મ રદ્દ થતાં ૬૭ ફોર્મ રહ્યા છે. જ્યારે વેપારી વિભાગમાં ૨૪ ફોર્મ ભરાયા હતા જેમાં ૬ ફોર્મ રદ્દ થતાં ૧૮ ફોર્મ રહેવા પામ્યા છે. તેમજ ખરીદ વેચાણમાં ૨ ફોર્મ ભરાયા હતા જે બંને રહેવા પામ્યા છે.