કડીના કલ્યાણપુરા રોડ ઉપર ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજન

મહેસાણા
મહેસાણા

કડીના કલ્યાણપુરા રોડ ઉપર ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રાકૃતિક જૈવિક ખેતીની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટા પ્રમાણમાં શિબિરમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કલ્યાણપુરા રોડ ઉપર આવેલા કડી 27 સમાજ ભવનની સામે પાર્ટી પ્લોટમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી સંબંધિત સુંદર ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કડીના કલ્યાણપુરા રોડ ઉપર ભારતીય કિસાન સંઘ દ્વારા ગાય આધારિત અને પ્રાકૃતિક જૈવિક ખેતીની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિસાન સંઘની સ્થાપના કરનાર જીવણદાદાના ધર્મપત્નીનું રાજ્યપાલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મંગળવારે ગુજરાતના રાજ્યપાલ અને પ્રાકૃતિક ખેતીના પ્રેરણા આચાર્ય દેવરજીના અધ્યક્ષસ્થાને ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે પ્રાકૃતિક જૈવિક ખેતી અંગે સુંદર ખેડૂતોને સમજણ આપી હતી.પ્રાકૃતિક ખેતીને પર્યાવરણ તેમજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો એક મજબૂત વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં ખેતી થઇ શકે છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, કૃષિ ઉત્પાદન ઘટતું નથી. દેશી ગાયનું જતન અને સંવર્ધન થાય છે, પાણીની બચત થાય છે, કૃષિ ખર્ચ નહિવત આવવાથી અને સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધુ મળવાથી સરવાળે ખેડૂતોને ફાયદો થાય છે.વધુમા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ, ગૌ-મુત્રથી બનતા જીવામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. જેથી સ્વસ્થ બીજ દ્વારા ઝડપી અંકુરણ થાય છે. ગાયના છાણ-ગૌ મૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત-ઘનજીવામૃત સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે કલ્ચર સ્વરૂપે કાર્ય કરે છે. આ પદ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવામાં આવે છે જેને મલ્ચીંગ કહેવાય છે. મલ્ચીંગને કારણે જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે, જેથી પાણીની જરૂરિયાત ઓછી થાય છે. મલ્ચીંગથી નિંદામણથી સમસ્યાનો હલ થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે, પ્રાકૃતિક કૃષિ થકી લોકો સ્વસ્થ બને અને ખેડૂતો સમૃદ્ધ બને તેમ જણાવી તેમણે ગુજરાતમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા હોવાનું ગૌરવભેર જણાવ્યું હતું. ઉમેર્યું હતું કે, વિદેશથી રૂ. 2.50 લાખ કરોડની કિંમતનું રાસાયણિક ખાતર આપણા દેશમાં આયાત કરવું પડ્યું તેવી ચિંતાજનક વાસ્તવિક્તાને જણાવીને તેમણે ઉપસ્થિત ખેડૂતોને ધરતીમાતાનું ઋણ ચૂકવવા અને રાસાયણિક ખાતર થકી ઝેર ન પીરસવા ખેડૂતોને અપીલ કરી હતી.પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતોને સમજાવતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, અળસિયાં જમીનમાં અસંખ્ય છીદ્રો બનાવી જમીનને નરમ બનાવે છે. માટીમાં રહેલાં જટીલ ખનીજ તત્વોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. જેનું છોડના મૂળ દ્વારા શોષણ થાય છે અને છોડને પોષણ મળે છે. અળસિયાંએ બનાવેલાં અસંખ્ય છીદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનનાં ઉતરે છે અને કુદરતી રીતે જળસંચય થાય છે. આઝાદી સમયે ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવી તે સમયની જરૂરિયાત હતી. આજે રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે. રાસાયણિક કૃષિને કારણે જળ-જમીન અને પર્યાવરણ દુષિત થયા છે.


ગ્લોબલ વાર્મિગની વૈશ્વિક સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ફાળો 24 ટકા જેટલો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગને કારણે જમીનનો આર્ગેનિક કાર્બન સતત ઘટતો રહ્યો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી દુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં દિનપ્રતિદિન ખર્ચ વધી રહ્યો છે જ્યારે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે.પ્રાકૃતિક કૃષિ અને જૈવિક ખેતીને સાવ અલગ ગણાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. વર્મી કમ્પોસ્ટના નિર્માણનો ખર્ચ વધુ થાય છે. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતો માટે ઓર્ગેનિક કૃષિ વિશેષ લાભદાયી નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌ મુત્રની મદદથી બનતા જીવામૃત-ઘન જીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવોની અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. ઉત્પાદન વધે છે, કૃષિ ખર્ચ ઘટે છે, કૃષિ ખર્ચ નહિવત અને ઉત્પાદન પૂરતુ મળવાને કારણે આ પદ્ધતિ ખેડૂતો માટે લાભદાયી છે.આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, કડીના ધારાસભ્ય કરસન સોલંકી, ગુજરાત રાજ્ય કિસાન સંઘના અધ્યક્ષ જગમલ આર્ય, જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, ડિસ્ટ્રીક બેન્કના ચેરમેન વિનોદ પટેલ, કડી માર્કેટ યાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલ, અગ્રણી ઉદ્યોગપતિ દિલીપભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, ભારતીય કિસાન સંઘના પ્રમુખ જગમાલ આર્ય, કડી કિસાન સંઘના પ્રમુખ પ્રવીણ પટેલ, મંત્રી ઈશ્વર પટેલ, માણેકલાલ પટેલ સહિત સાથે જોડાયેલા ખેડૂત મિત્રો સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.