મહેસાણા શહેરમાં ડુંગળીના ભાવ કિલોએ 10 વધ્યા : ટામેટાં સહિત શાકભાજીનાં ભાવ 20 થી 60% ઘટ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં ટામેટા સહિતનાં શાકભાજીના ભાવમાં છેલ્લા અઠવાડિયાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, ડુંગળીનો ભાવ કિલોએ રૂ.10 વધ્યા છે. બેંગ્લુરુ સિવાય અન્ય સ્થળોએથી ટામેટાની આવક શરૂ થતાં મહેસાણા બજારમાં રૂ.160ના કિલો સુધી પહોંચેલા ટામેટાના ભાવ રૂ.100ની અંદર આવી ગયાં છે. ડુંગળી સિવાય ટીંડોળી, ભીંડાં, મરચાં, કોથમીર, કારેલાં, રીંગણ, ચોળી, પરવર, ફુલાવર, કોબિજ, પાપડી સહિતનાં શાકભાજીનાં ભાવ ઘટ્યાં છે. ડુંગળીના ભાવ રૂ.10 વધીને રૂ.40એ પહોંચ્યા છે.મહેસાણા હોલસેલ શાકમાર્કેટમાં 18 દિવસ પહેલાં 20 કિલો ટામેટા રૂ.2200થી 2600ના ભાવે આવતાં હતાં, જે હાલ ઘટીને રૂ. 660થી 1100ના ભાવે આવી રહ્યું છે. હોલસેલમાં 20 કિલો મરચાંનો ભાવ રૂ.600થી ઘટીને રૂ.240 થયો છે. જ્યારે રૂ. 80 થી 320ના ભાવે મળતી ડુંગળી અઠવાડિયાથી મોંઘી થઇ રૂ.250થી 800એ પહોંચી ગઇ છે. શાકભાજીના ભાવ ઘટતાં ગૃહિણીઓ રાહત અનુભવી રહી છે. જોકે, ખેડૂતોની આવક પર સીધી અસર પડી છે.વેપારી સાજીદભાઇ મેમણે કહ્યું કે, ટામેટા પહેલાં બેંગ્લુરુથી જ આવતાં, હવે નાસિક સહિતથી આવવા લાગ્યાં છે, એટલે આવક વધતાં ભાવ ઘટ્યા છે. ડુંગળીમાં વાવેતરમાં બગાડ, ક્યાંક સંગ્રહના કારણે ભાવ વધ્યા હોય તેમ લાગે છે. વિજાપુર, હિંમતનગરના પટ્ટાથી મરચાનું ઉત્પાદન વધતાં આવક ખૂબ વધતાં ભાવ ઘટ્યા છે. હજુ કડીથી 15 દિવસમાં મરચાં આવશે એટલે ભાવ હજુ ઓછા થઇ શકે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.