મહેસાણા સાંઇક્રિષ્ના હોસ્પિટલમાંથી પાૅઝિટિવ કેદી ભાગી ગયો,પૂર્વ સાંસદના પુત્રને પણ કોરોના
મહેસાણાના પૂર્વ સાંસદ જયંતિભાઇ બારોટના પુત્ર તરુણ બારોટને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પ્રોહિબિશનના કેસમાં ધરપકડ પહેલાં મહેસાણાની સાંઇક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયેલ છઠિયારડાનો યુવાન રિપોર્ટ પોઝિટિવ આવતાં રવિવારે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. કોરોના સંક્રમિત દર્દી ભાગી ગયો હોવાની જાણ થતાં તેને શોધવા આખા જિલ્લાની પોલીસ સાથે આરોગ્ય વિભાગે પણ દોડધામ કરી મૂકી હતી.
હાલમાં ગાંધીનગર રહેતા અને મૂળ લીંચ ગામના અને સેફ્રોની કોટેજમાં બંગલો ધરાવતા પૂર્વ સાંસદ જયંતિભાઈ બારોટના પુત્ર તરુણ બારોટને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ, તરુણભાઈ ગાંધીનગર રહે છે અને 29 મેના રોજ મહેસાણા સાંઇકિષ્ણા હોસ્પિટલમાં કોરોના સેમ્પલ આપી પરત ગાંધીનગર જતા રહ્યા હતા. તેઓ કોનાથી સંક્રમિત થયા તે બાબતે ગાંધીનગર આરોગ્ય વિભાગ તપાસ કરશે. તે મહેસાણામાં કોઈના સંપર્કમાં આવ્યા નથી. માટે કોઈને ક્વોરન્ટાઇન કરવાની જરૂર નથી. રિપોર્ટ આવ્યા બાદ તેઓ અમદાવાદ દાખલ થશે તેવું લાગે છે.
જ્યારે ચાર દિવસ પહેલાં પ્રોહિબિશનના ગુનામાં મહેસાણા તાલુકા પોલીસે છઠિયારડાના 48 વર્ષના સુરેશજી ગોબરજી ઠાકોરની ધરપકડ પહેલાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બે દિવસ પહેલાં તેને સાંઇક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જઇ કોરોના સેમ્પલ લેવાયું હતું. રવિવારે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ થતાં તે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. જેની જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં જાણ કરી શોધખોળ હાથ ધરાઇ હતી. બીજી બાજુ હોસ્પિટલમાંથી દર્દી ભાગી જવાની ઘટનામાં હોસ્પિટલ કે જાપ્તામાં રહેલી પોલીસની નિષ્ક્રિયતા તે મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે.