વિસનગરની સિવિલ હોસ્પિટલમાં બાથરૂમની બારીઓ પર દારૂની લટકતી થેલીઓ જોવા મળી

મહેસાણા
મહેસાણા

વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઊડતા હોય તેવું જોવા મળ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસ તેમજ સંડાસ બાથરૂમની બારીઓ પાછળથી દેશી દારૂની ખાલી થેલીઓ લટકતી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગટર ચોકઅપ થવાથી મચ્છરના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી છે તેમજ સંડાસમાં પણ પારાવાર ગંદકી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રીના વિસ્તારની જ સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.સમગ્ર ભારતમાં સ્વચ્છતા એજ સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ જગ્યાએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે ગુજરાતના રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં જ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓ તેમજ સગા સંબંધીઓ માટેના સંડાસમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે.


આવી ગંદકીમાં કેવી રીતે અંદર જવું એ પણ દર્દીઓના સગાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે હોસ્પિટલના કેમ્પસમાં જ ગટર ચોકઅપ થવાથી મચ્છરનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઇ છે. જ્યારે સિવિલ હોસ્પિટલના સંડાસ, બાથરૂમની બારીઓ પર લટકેલી દેશી દારૂની ખાલી થેલીઓ મળી આવતા દર્દીઓના સગાઓમા ચર્ચાઓ જાગી છે. આમ સિવિલ હોસ્પિટલમાં દેશી દારૂ કોણ પીવે છે તેની પણ ચર્ચાઓ જાગી છે. આ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, હાલમાં સિવિલ હોસ્પિટલમાં રિનોવેશનનુ કામ ચાલી રહ્યું છે. જેથી કામ કરનાર મજૂરોએ દારૂ પીને નાખી હશે અને કામકાજના કારણે ગટર ચોકઅપ થઈ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.