ધરોઈ ડેમને ૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસનધામ તરીકે વિકસાવાશે
રાજ્યસરકારે ધરોઈ ડેમને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. જેને વર્લ્ડક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન આપવામાં આવશે. ધરોઈની આસપાસના 90 કિમીની ત્રિજ્યામાં આવતા વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા વિવિધ સ્થળોને પણ આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર 1100 કરોડનો ખર્ચ કરશે. જેનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ધરોઇ ડેમ સાઇટ પર જઇને સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રોજેક્ટને પરિણામે ઉત્તર ગુજરાતમાં તીર્થસ્થળોનો, સાહસિક સ્થળોનો તેમજ પર્યાવરણીય તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનો વિકાસ થવાથી સમગ્ર વિસ્તારમાં પ્રદેશિક પ્રવાસનને વેગ મળશે અને આર્થિક બળ પૂરું પાડશે. આ ઉપરાંત પ્રવાસીઓની અવર-જવરને કારણે સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિને વેગ મળવા સાથે રોજગારીના અવસર પણ ઉભા થશે.