ઊંઝાના દાસજ ગામે બંધ મકાનમાંથી 5.83 લાખના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર
ઊંઝા તાલુકાના દાસજ ગામના બંધ મકાનને ટાર્ગેટ કરીને તસ્કરોએ દાગીના, પોણા બે લાખ રોકડ સહિત કુલ રૂપિયા 5.80 લાખ રૂપિયાના મુદ્દામાલની હાથ સફાઈ કરીને તસ્કરો ફરાર થઇ જતા ભારે ચકચાર મચી છે. ઊંઝાના ઉનાવા ગામે જવેલર્સની દુકાનમાં તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી હતી તેની શાહી હજુ સુકાઈ નથી. તેમજ ઊંઝા વિસ્તારમાં વાહન ચોરીને લઈને ભયનો માહોલ છવાયેલો છે. ઊંઝા પંથકમાં આજકાલ તસ્કરોને મોકળું મેદાન મળી રહેતા વાહન ચોરી, ઘરફોડ ચોરીઓ જેવી અનેક ચોરીઓનું પ્રમાણ વધતા કાયદો અને સમીક્ષા ખૂબ જ જરૂરી બની છે.
ઇન્દિરાનગરમાં રહેતા અને ખેતી તેમજ જમીન દલાલી કામ કરતા અક્રમભાઈ ફકીરમહંમદ સિંધી પોતાના પારિવારિક કારણોસર પોતાનું મકાન બંધ કરી ગામમાં રહેવા જતા બંધ ઘરનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ રાત્રિ દરમિયાન ઘરનો મુખ્ય દરવાજો તોડીને સોનાનો હાર, બુટ્ટી, ચુની, કાનમાં પહેરવાની એરિંગ, વીંટી, ચાંદીની પાયલો, ચેન, ચાંદીની લકી, સહિત અન્ય સોનાના દાગીના જેમાં સાડા આઠ તોલાના દાગીના, ચાંદીના દસેક તોલાના દાગીના, ઉપરાંત ઘરમાં પડેલા પોણા બે લાખ રૂપિયા સહિત બંધ મકાનમાંથી દાગીના તેમજ રોકડા સહિત 5,80,757 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જતા ગામમા ચકચાર મચી ગઈ છે. આ સંદર્ભે થયેલી ફરિયાદના આધારે ઊંઝા પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.