મહેસાણાના ખેરવા નજીક બાઈક ચાલકને ગાડીએ ટક્કર મારી, યુવક રોડ પર પટકાતા મોત
મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મહેસાણા તાલુકાના હેબૂઆ ગામ નજીક એક યુવકને ગાડીએ ટક્કર મારી હતી. જેથી તેનું મોત થયું હતું. પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
મહેસાણા તાલુકાના ખેરવા ગામે રહેતો દેસાઈ પોતાનું બાઈક લઇ ખેતરમાંથી ઘરે આવી રહ્યો હતો. એ દરમિયાન ખેરવા ગેટ નંબર 1 પાસે આવેલી હેબૂઆ ચોકડી નજીક એક બેફામ ગાડી GJ24AQ9889ના ચાલકે પુરઝડપે હંકારી બાઈકને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં યુવક રોડ પર પટકાતા તે લોહીલુહાણ થયો હતો. સમગ્ર મામલે આસપાસના લોકોએ યુવકને 108 મારફતે સારવાર માટે ખસેડ્યો હતો. જોકે, યુવકને ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું હતું. તેમજ અકસ્માત સર્જનાર ચાલક ગાડી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.