કડીના ડરણ પાટીયા પાસે લાકડા ભરેલી આઇસરમાં આગ લાગી

મહેસાણા
મહેસાણા

કડીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ ડરણ પાટીયા નજીક અચાનક ગત રાત્રિ સમય દરમિયાન એક આઇસરમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. થોડીક સેકન્ડોમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને આઇસરને લપેટામાં લઈ લીધી હતી. ઘટનાની જાણ કડી પાલિકામાં કરાતા પાલિકાના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી. કડી તાલુકાના ડરણ પાટીયા પાસે કુકરવાડા થી મોરબી તરફ જતી લાકડાના વેસ્ટ ભરેલ આઇસર નંબર GJ 36 V 6362માં અચાનક જ આગ લાગી હતી. આઇસરના કેબિન માંથી આગ લાગી હતી જેણે થોડીક જ ક્ષણોમાં વિકરાળ સ્વરુપ ધારણ કરી દીધું હતું અને આગે આઇસરને ચપેટમાં લઈ લીધી હતી. જેના કારણે આગના ગોટેગોટા આકાશમાં દેખાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આઇસરમાં લાકડાના વેસ્ટ ભરેલ હોવાથી આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જ્યાં સ્થાનિકો દ્વારા કડી નગરપાલિકા તેમજ બાવલું પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પાલિકાના બે ફાયર ફાયરટર આવી પહોંચ્યા હતા અને સ્થાનિકો દ્વારા ગામમાંથી જેસીબી બોલાવીને વેસ્ટને ખાલી કરવાનું યુદ્ધના ધોરણે કામ કર્યું હતું. જ્યાં કલાકો બાદ બંને ફાયર ફાઈટરે આગને કાબુમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે આઇસરનો કેબીનનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.