ઊંઝામાં શાકભાજીનો ધંધો કરતા વ્યક્તિએ માણસો બોલાવી હુમલો કર્યો; જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
ઊંઝામાં લોડિંગ રીક્ષા લઈને શાકભાજીનો ધંધો કરતા વ્યક્તિએ અલગ અલગ માણસો બોલાવીને સામે વાળા ઉપર હુમલો કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
હકીકત એમ છે કે ઊંઝા વિસ્તારમાં આવેલ વણાગલા રોડ ઉપર વિશ્વકર્માની મંદિરની બાજુમાં લોડિંગ રીક્ષા લઈને બપોરે બાર વાગ્યાની આસપાસ દેવીપૂજક મુકેશભાઈ અને તેમની પત્ની દેવીપૂજક સમીબેન શાકભાજી લઈને વેચવા માટે આવ્યા હતા. એ અરસામાં ફરિયાદીનો દીકરો જે રીક્ષા પાસે ગયેલો અને કહ્યું કે રીક્ષામાંથી વાસ આવે છે એવુ કહેતા દેવીપૂજક સમીબેન અને તેમના પતિ ફરિયાદીના દીકરાને મનફાવે એમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યારે અપશબ્દો બોલવાનું ના પાડતા દેવીપૂજક મુકશે બીજા વ્યક્તિઓને ફોન કરીને બનાવની જગ્યાએ બોલાવેલા ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો અને ઝઘડો થયો હતો. જેમાં ફરિયાદી તેમજ એમના પરિવાર ઉપર આવેલા ઈસમોએ લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીના દીકરા જયેશને માથામાં લોખંડની પાઇપ લાગતા નાકમાંથી લોહી નીકળ્યું હતું.
મામલો વધુ ઉગ્ર બનતા આવેલા ઈસમો તેમજ દેવીપૂજક મુકેશ અને તેમની પત્ની ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જેમાં જતા જતા ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આજુબાજુ સ્થાનિક લોકો ભેગા થઇ જતા ફરિયાદી તેમજ એમના પરિવારને ઇજાઓ થઇ હતી. જેના કારણે તાત્કાલિક ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા પોલીસે, દેવીપૂજક સમીબેન, દેવીપૂજક મુકેશભાઈ, દેવીપૂજક અજયભાઇ ગોવિંદભાઇ ,દેવીપૂજક ગોપાલ મુકેશભાઈ, દેવીપૂજક ગોવિંદભાઇ ગલુભાઈ આ તમામ ઉપર આઈ પી સી કલમ 323, 504, 505(2), 147, 148, 149, સેક્શન 135 મુજબનો ગુન્હો દાખલ કરી ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.