મહેસાણાના રાધનપુર રોડ ઉપર પાંચોટ ગૌચર હદમાંથી 40 લારી-ગલ્લા હટાવાયાં
મહેસાણાના રાધનપુર રોડ ઉપર પાંચોટ ગ્રામપંચાયત દ્વારા હદમાં આવેલ ગૌચરની જગ્યામાં ફેલાયેલા દબાણમાં આવતાં 40 લારી-ગલ્લા ક્રેઇનથી ઉપાડીને પંચાયતમાં કબ્જે લેવાયા હતા.પાંચોટ ગ્રામપંચાયત તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ રોડ ઉપર પહેલીવાર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી.જેમાં બુધવારે કાશીવિશ્વનાથ મંદિર સાઇડના પણ ત્રણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
રાધનપુર રોડ ઉપર પશુ સેન્ટર બહાર ફાળવેલ ગૌચરની જગ્યા પૈકી ખાલી જગ્યામાં ઘણા લાંબા સમયથી લારી ગલ્લાના દબાણો ફેલાયા હતા. આસપાસ સોસાયટીઓના રહેણાક વિસ્તાર હોઇ ટ્રાફીકમાં અણચણો સર્જાતી હોવાની બુમરાડ ઉઠતી હતી. ત્યાં પાંચોટ ગ્રામપંચાયત દ્વારા બુધવારે પોલીસ બંદોબસ્ત સાથે પહેલીવાર બિનખેતી વિસ્તારમાં દબાણ હટાવો કવાયત કરાઇ હતી.પંચાયતના તલાટી બિપીનભાઇ ચૌધરી સહિતની ટીમ દ્વારા સ્થળ પર લારી ગલ્લાના દબાણકારોને સ્થળ ખાલી કરવાની તક અપાઇ હતી,જેમાં કેટલાક લારી ગલ્લા લઇને સ્થળ છોડી દીધુ હતી,બાકીના દબાણો ત્વરીત દૂર કરવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી.
જેમાં જેસીબી ક્રેઇનથી કેબિનો, લારીઓ ઉપાડી ટ્રેક્ટરમાં મૂકીને પાંચોટ ગ્રામપંચાયત ખાતે કબજે લેવાયા હતા. સોસાયટીઓ નજીકથી દબાણો દૂર થતાં અડચણો હળવી થશે તેને લઇને આસપાસની સોસાયટીઓના રહિશોએ રાહત અનુભવી હતી. ગ્રામપંચાયત તંત્રના સુત્રોએ કહ્યુ કે, હજુ રાધનપુર રોડ વિસ્તારમાં પંચાયત હદમાં નડતરરૂપ દબાણો કરાશે તો કાર્યવાહી ચાલુ રખાશે.