દિવાળીની ખરીદી કરવા ગયેલા 4 મોતની ચાદરમાં લપેટાયા

મહેસાણા
મહેસાણા

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અકસ્માતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના કાટીવાસ ગામે રહેતા સાત લોકો ગામની રિક્ષામાં બેસી દિવાળી હોવાથી સતલાસણા ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરી પોતાના ગામ પરત આવી રહ્યા હતા. ત્યારે ગોઠડા નજીક દૂધના ટેન્કરે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા 4 લોકોના કમકમાટીભર્યાં મોત થતા હાઈવે લોહિયાળ બન્યો હતો.મૂળ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કાટીવાસ (માલણ) ગામે રહેતા ધનજીભાઈ ભેરાભાઈ ગમાર પોતાની રીક્ષા લઈ પોતાના કુટુંબી સભ્યો અને ગામના અન્ય સમાજના લોકોને પોતાની રિક્ષામાં બેસાડી સતલાસણા ખાતે દિવાળી આવતી હોવાથી કરિયાણું સહિતનો સમાન લેવા આવ્યા હતા. સતલાસણા ખાતે તમામ લોકો ખરીદી કરીને ગઈકાલે બપોરે એ જ રિક્ષામાં બેસી પોતાના ગામ પરત આવતા હતા, એ દરમિયાન સતલાસણાના ગોઠડા નજીક વર્ષ ગંગા નદી પુલ પર સામે આવી રહેલા દૂધના ટેન્કરે ધડાકાભેર રિક્ષાને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ટેન્કરે એટલી જોરદાર ટક્કર મારી હતી કે, રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં રિક્ષાના ડ્રાઈવર 22 વર્ષીય ધનજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રોડ પર અન્ય લોકો અને વાહનચાલકો દોડી આવતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી, રિક્ષામાં સવાર મુસાફરો જેમાં ગમાર પ્રવીણભાઈ, ગમાર રાઈસાભાઈ, ગમાર સુમાબેન, મનીષાબેન ઠાકોર, સીતાબેન ઠાકોર, ગમાર મનુભાઈ, તરાલ લક્ષમણભાઈને ગંભીર ઇજાઓને પગલે સતલાસણા સિવિલ ખસેડવામાં આવ્યાં હતાં.સતલાસણા સિવિલમાં લાવવામાં આવેલા ઇજાગ્રસ્તમાંથી સારવાર દરમિયાન 40 વર્ષીય ઠાકોર સીતાબેન બળવંતજી, 18 વર્ષીય ગમાર મનુભાઈનું મોત નીપજ્યું હતું. જ્યાંરે બાકીના ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડનગર રિફર કરાયા હતા. તેમજ ત્યાંથી પણ વધુ ઇજા પામેલા લોકોને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ઇજાગ્રસ્તમાંથી કાટીવાસ ગામના 50 વર્ષીય ગમાર રાઈસાભાઈનું ગત મોડી રાત્રે સારવાર દરમિયાન અમદાવાદમાં મોત નીપજ્યું હતું.સમગ્ર ઘટનાના પગલે હાલમાં બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલા કાટીવાસ ગામના ચાર લોકોના મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. આજે ગામમાં ચાર લોકોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. ત્યારે દિવાળીના તહેવારના ટાણે આ ગમખ્વાર અકસ્માતના કારણે પરિવારો પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.