ખેરાલુની સ્કૂલના 3 વિદ્યાર્થીઓને વધુ ઇજા થતાં વિસનગર અને બે શિક્ષકોને પાલનપુર ખસેડાયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોંટીયા ગામની સી.એન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ગઈકાલે રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. જેમાં લક્ઝરી બસના ઓર્ગેનાઇઝર સહિત બેના મોત થયા હતા. જ્યારે બસમાં સવાર શિક્ષકો-વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક શિરોહી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોને પીએમ માટે લઈ જવાયા હતા. ઇજાગ્રસ્તોને શિરોહી પ્રાથમિક સારવાર આપ્યા બાદ બે શિક્ષકોને પાલનપુર અને ત્રણ વિદ્યાર્થીઓને વિસનગર ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં ખેરાલુના ધારાસભ્યે રાતોરાત બંને હોસ્પિટલની મુલાકાત લીધી હતી.આ અંગે શિક્ષક નરેન્દ્રભાઈ રાજગોરે જણાવ્યું હતું કે, વધુ ઇજા પામેલા બે શિક્ષકોને પાલનપુર અને ફ્રેક્ચર થયેલા ત્રણ વિદ્યાર્થીઓને વિસનગરની નૂતન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક શિક્ષકને ફ્રેક્ચર થતા ઇજા વધુ થઈ છે અને બીજા શિક્ષકને વધુ ઇજા નથી થઈ. તેમજ વિસનગરમાં જે ત્રણ બાળકો સારવાર હેઠળ છે તેમને પણ ફ્રેક્ચર થયા છે જે હાલ સારવાર હેઠળ છે. બાકીના બાળકો અને અન્ય લોકોને રાતોરાત ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ મહેસાણા જિલ્લામાં પ્રસરતા ખેરાલુના ધારાસભ્ય સરદારસિંહ ચૌધરીએ ઘાયલોને રાજસ્થાનથી ગુજરાત ખસેડવા રાજસ્થાન સરકાર સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. આ ઉપરાંત ગત મોડી રાતે પાલનપુરની રાજસ્થાન હોસ્પિટલ અને વિસનગરની નૂતન હોસ્પિટલ ખાતે ઘાયલોની મુલાકાત લઈ ડોક્ટરો સાથે વાતચીત કરી હતી.ઘટનાની વિગતે વાત કરીએ તો ખેરાલુ તાલુકાના ચોંટીયા ગામની સી.એન હાઈસ્કૂલના 52 વિદ્યાર્થીઓ અને 52 વિદ્યાર્થિનીઓ મળી 104 વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને મહિલા સહિત છ શિક્ષકો વિસનગરની ખાનગી ટ્રાવેલ્સની બે લક્ઝરીમાં કાલે વહેલી પરોઢે 4.30 કલાકે જોધપુર અને રણુજાના બે દિવસના પ્રવાસમાં જવા નીકળ્યા હતા. છોકરીઓ અને મહિલા શિક્ષિકા લક્ઝરી આગળ જઇ રહી હતી. જ્યારે છોકરાઓ અને શિક્ષકોની લક્ઝરી પાછળ જઈ રહી હતી. ત્યારે જોધપુર-પાલી હાઇવે પર સુમેરપુર નજીક સવારે 7 30 કલાકે રોડ પર ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઇવર કૂદી પડ્યો હતો અને આગળના ભાગે બેસેલા શાળાના પટાવાળા પ્રકાશભાઈ ડાહ્યાભાઈ રાવલ અને પ્રવાસના ઓર્ગેનાઇઝર વિપુલભાઈ મંગાજી ઠાકોરને ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.