ઊંઝા માર્કેટ યાર્ડની કુલ ૧૫ બેઠકો માટે ૧૦૦ ફોર્મ ભરાયા : ખેડુતમાંથી ૭૪ અને વેપારીમાંથી ૨૪ તેમજ ખરીદ વેચાણમાંથી ૨ ફોર્મ ભરાયા
વિશ્વની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીનો પ્રારંભ થયો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે દિવસભર ઊંઝા એપીએમસી ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ઊંઝા એપીએમસીના પુર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, પુર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તેમજ પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ સહિત વેપારીઓ અને ખેડૂતોએ ફોર્મ ભર્યુ હતું.
ઊંઝા એપીએમસી ખાતે ઉમેદવારી ફોર્મ લેવા અને ભરવા માટે સવારે ૧૧:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી વેપારીઓ ખેડૂતો ઉમટી પડતાં દિવસભર રાજકીય માહોલ ગરમાયો હતો. ઉમેદવારી ફોર્મ લેવા લાંબી કતારો લાગી હતી. ઊંઝા એપીએમસીની ચૂટણીમાં ઊંઝા એપીએમસીના પુર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ ખેડૂત વિભાગ તેમજ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ ખેડૂત વિભાગ, પુર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ ખેડુત વિભાગ, અને ઊંઝા એપીએમસીના પુર્વ ચેરમેન દિનેશભાઈ પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.