હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાયના અનેક જિલ્લાઓ અને શહેરોમાં વરસાદ થવાની સંભાવના જતાવવામાં આવી હતી. જે અનુસંધાને મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોકાએ મળ્યો છે. ગત મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદથી આકરા ઉનાળાની ગરમીમાં ઠંડક પ્રસરી જતા લોકોએ આંશિક રાહત અનુભવી હતી.
મહેસાણા જીલ્લાના તમામ શહેરો અને તાલુકાઓના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થવાથી ક્યાંક ઠંડક તો ક્યાંક નુકશાન થવાના સમાચાર સામે આવ્યા છે. સતલાસણા તાલુકા ટીમ્બા ગામમાં, તથા આજુબાજુના ગામોમાં મોડી રાત્રીએ વાવાઝોડા અને વિજળીના કડાકા ભડાકા સાથે તુટી પડેલા વરસાદને કારણે બાજરીના ઉભા પાક જમીન દોસ્ત થયેલ છે, લણણીને આરે આવેલ બાજરીના પાકને એકાએક આવેલ વાવાઝોડા અને વરસાદના લીઘે બાજરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન સહેવાનો વારો ખેડુતને આવ્યો છે. સરકાર તરફથી નુકસાન પામેલ પાકનુ સર્વે કરી સહાય આપવામાં આવે તો થોડેક અંશે ધરતીના તાતને રાહત થાય તેવુ ખેડુતોમાં ચર્ચાઈ રહ્યુ છે.
વરસાદને લઇ કડી તાલુકાના નગરાસણ ગામે આવેલ જર્જરીત બસ સ્ટેન્ડની છત ધરાસાઈ થઈ ગઈ છે. કડીના પીરોજપુર ગામ ખાતે વીજળી પડતાં મકાનની છત ધરાશાઈ થતા રાત્રી દરમ્યાન અચાનક ભારે પવન ફૂંકાતા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા અનેક લોકોને નુકશાન થયાના સમાચાર સાંપડ્યા છે. વીજળી પડતા પીરોજપુર ગામે મકાનની છત નીચે ધડાકાભેર તૂટી પડી હતી જેમાં સદનસીબે મોટી જાન હાની ટળી હતી. જ્યારે જિલ્લાના બેચરાજી, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, ઊંઝા સહિતના પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે.

