મહેસાણામાં રાધનપુર ચાર રસ્તા નજીક ગત થોડા દિવસો અગાઉ થયેલી હત્યાના મામલે હત્યા નિપજાવી નાસી છુટવામાં સફળ રહેલા 4 હત્યારાઓ પૈકીના 3 હત્યારાઓને મહેસાણા બી ડીવીઝન પોલીસે ઊંઝા-સિદ્ધપુર હાઇવે પરથી કાર સાથે રંગે હાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
અંગત અદાવતમાં કરવામાં આવેલી હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા તે તમામની સરખી સરભરા કરી આજ રોજ હત્યાનો બનાવ બન્યો હતો એ ઘટના સ્થળે લઈ જઈ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવા પંચો સમક્ષ હત્યાના ગુનાનું પુનઃ નિરૂપણ કરાવી સમગ્ર હત્યા કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને સ્થાનિકોમાં આવા અસામાજિક તત્વોનો ભય ઓછો થાય તે માટે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જ્યાં શહેરીજનોમાં પોતાની ગુંડાગીરીનો આતંક ફેલાવી અને ખોટો ડર ઉભો કરનારા આવા લુખ્ખા તત્વોની જાહેરમાં સરભરા કરી શહેરીજનોમાં ફેલાયેલા ડરને દૂર કરવામાં આવતા મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસની સક્રિય કામગીરીને બિરદાવી પીઆઈ નિલેશ ઘેટિયાનો શહેરીજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણામાં ગત 15 એપ્રિલના રોજ રાત્રેના સમયે દીકરી સાથે એકટીવા પર સવાર થઈને નીકળેલા યુવક પર કારથી ટક્કર મારી ઘાતકી હથિયારો વડે 15 જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવી નાસી છૂટનાર અસામાજિક તત્વોને મહેસાણા બી ડીવીઝન પોલીસે ઊંઝા-સિદ્ધપુર હાઇવે પરથી કાર સાથે રંગે હાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ હત્યા કેસમાં સંડોવાયેલા 4 હત્યારાઓ પૈકી 3 હત્યારાઓને પોલીસે પકડી પાડયા હતા જ્યારે હત્યાનો મુખ્ય આરોપી અને રાજકીય વગ ધરાવતો દશરથજી ઉર્ફે પિન્ટુભા કનુજી ઠાકોર હજી પણ પોલીસ પકડથી દૂર હોવાથી તેને પકડવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવી ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.