મહેસાણામાં એક વકીલ સાથે કોલકતાના શખ્સે છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોતાને ક્રિકેટ કોચ તરીકે ઓળખાવી વકીલના પુત્રને અમેરિકા ક્રિકેટ રમવા લઈ જવાના બહાને રૂ.12.10 લાખ પડાવ્યા છે. વકીલ બી.જી. પટેલને તેમના પરિચિત દ્વારા કોલકતાના હિતેશ શિવચંદ્ર યાદવ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. હિતેશે પોતાને ક્રિકેટ કોચ ગણાવી વિદેશમાં ક્રિકેટ ટીમ મોકલવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
આરોપીએ વકીલના પુત્રને અમેરિકામાં ક્રિકેટ રમવા મોકલવાની વાત કરી હતી. વકીલે તેમના પુત્રને મોકલવાની તૈયારી બતાવતા આરોપીએ ટુકડે-ટુકડે ઓનલાઈન અને રોકડ મળી કુલ રૂ.12.10 લાખ મેળવ્યા હતા. લાંબા સમય સુધી વિદેશ ન મોકલતા વકીલે કાયદેસરની કાર્યવાહીની વાત કરી હતી. આરોપીએ માત્ર રૂ.3 લાખ પરત કર્યા હતા. બાકીના નાણાંની માંગણી કરતા આરોપીએ ફોન સહિતના તમામ સંપર્ક બંધ કરી દીધા હતા. મહેસાણા એ-ડિવિઝન પોલીસે કોલકતાના રોયલ રેસિડેન્સીમાં રહેતા આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.