વિજાપુરના લાડોલ રોડ પર આવેલા સાથીયા પાર્ટી પ્લોટમાં દીકરીના લગ્નના મામેરામાં આવેલી ભેટ સોગાદ અને રોકડ મળી રૂ.4.44 લાખની મત્તા ભરેલું પર્સ અજાણ્યો શખ્સ નજર ચૂકવીને ચોરી ગયો હતો. ગુરુવારે બનેલી ઘટના અંગે લગ્ન પ્રસંગ પૂરો થતાં વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTV, લગ્નના કેમેરા આધારે તપાસ હાથ ધરી છે.
મૂળ વિજાપુરના ફલુ ગામે મુખીવાસ અને હાલ અમદાવાદ સોલા ખાતે રહેતા અશ્વિનકુમાર કાન્તીભાઇ પટેલની દીકરી રાહિબેનનો ગત ગુરુવારના રોજ વિજાપુરના સાથીયા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ રાખેલો હોઇ મહેમાનો સાથે વગેરે હાજર હતા. ચારેક વાગે મામેરું ભરાયા બાદ મહેમાનો દ્વારા ભેટ, સોગાદ તથા રોકડ રૂ.4 લાખ, રૂ.27 હજારની 200 ગ્રામ ચાંદીની ઝાંઝર, સોનાની ચુની, કન્યાનો મોબાઇલ સહિતની વસ્તુઓ બે લેડીઝ પર્સમાં રાખી હતી. આ બંને પર્સ અશ્વિનભાઇએ તેમની બહેન નીતાબેનને સાચવવા આપ્યાં હતાં અને રાત્રે પોણા આઠેક વાગે જમવાનો સમય થતાં આ પર્સ નીતાબેને ભાણિયા જૈમિનભાઈને સાચવવા માટે આપ્યાં હતાં. જોકે, ભાણિયાએ ખુરશી ઉપર મૂકી જમવાનું તપાસ કરવા ગયો અને થોડીવાર પછી પરત આવતાં બંને પર્સ જોવા મળ્યા નહોતા. આસપાસ શોધખોળ અને સગાસંબધીઓને પૂછપરછ કરી પરંતુ પર્સ મળ્યાં ન હતા. અશ્વિનભાઇ પટેલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.ખુરશીમાં મૂકેલ રૂ.4.44 લાખની મત્તા ભરેલ પર્સ ગઠિયો ઉઠાવી ગયો