વિકાસશીલ મહેસાણાની પરિકલ્પના સાથે મહાનગરપાલિકાનો ઉચ્ચ દરજ્જો મળતાં વાસ્તવમાં મહેસાણા શહેરનો વિકાસ ઉડીને આંખે વળગે તેટલો સરસ છે. વિકાસની હરણફાળ ભરતા મહેસાણા શહેરને મહાનગરપાલિકા મળતાની સાથે જ શહેરની રોનક બદલાઈ ગઈ છે. સાચા અર્થમાં મહેસાણામાં હવે જ વિકાસ થયો છે બાકી આટલા વર્ષોથી નગરપાલિકાના રાજમાં ફક્ત લાલીયાવાડી અને ભ્રષ્ટાચાર સીવાય બીજું કાંઈ જ શહેરીજનોને જોવા નથી મળ્યું. જ્યારથી મહાનગરપાલિકા બની છે અને જ્યારથી કમિશ્નર ખતાલેએ મહેસાણાનો ચાર્જ સાંભળ્યો છે ત્યારથી શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા અવિરત રીતે કાર્યરત છે.
મહેસાણા શહેરમાં વર્ષીથી અડિંગો જમાવીને બેઠેલા વેપારીઓ અને લારી ગલ્લા કે રેકડીવાળાઓમાં પણ ગેરકાયદેસર દબાણને લઈને રીતસરનો ફફડાટ ફેલાયો છે. કમિશ્નરની નિયુક્તિ થતાની સાથે ફૂલ એક્શન મોડમાં આવેલા કમિશ્નરે તાબડતોબ એક પછી એક નિર્ણયો લઈને મહેસાણાની તસ્વીર બદલી દીધી છે. શહેરના રોડ-રસ્તા પરના દબાણો દૂર કરી રસ્તાઓ પહોળા કરી શહેરીજનોને પડતી અગવડને ત્વરિત ધોરણે દૂર કરી દીધી હતી. બજાર કે અન્ય વિસ્તારોમાં થયેલા અનધિકૃત દબાણો કે કનડગત થતા લારી ગલ્લાઓને જાહેર સ્થળેથી હટાવીને તેમને ઠંડા રોજગાર માટે યોગ્ય સ્થાનની ફાળવણી કરવામાં આવી છે જેના કારણે શહેરમાં દબાણ કે બિનજરૂરી ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય.
પરંતુ એકવાર કઠોર પગલાં લઈને પડતું મૂકી દેવાથી શહેરમાં ફરીથી દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે, જ્યાંને ત્યાં દબાણકારોએ ફરીથી માઝા મૂકી હોય તેમ કાયદાની કોઈ પણ બીક રાખ્યા વગર જ બેરોકટોક દબાણો કરવા લાગ્યા છે. માંડ માંડ મનપા કમિશ્નરે દબાણો અને લારી ગલ્લા કે રેકડીવાળાને હટાવી શહેરના રસ્તા ખુલ્લા કર્યા હતા ત્યાં તો થોડોક સમય શું વીત્યો કે શહેરમાં હતા એમ દબાણો ફરીથી વધવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત તો એ છે કે મહેસાણા મહાનગરપાલિકાનું મુખ્ય કાર્યાલય શહેરની વચ્ચોવચ આવેલું છે અને ત્યાં તોરણવાળી ચોકમાં તેમજ જીઈબી પાસે, મોઢેરા ચાર રસ્તા નજીક બપોર બાદ શાકભાજીની લારી,ગલ્લા, રેકડીવાળાઓ કોઈની પણ પરવાહ કર્યા વિના બિન્દાસ્તપણે ઉભા રહી ધંધો રોજગાર કરી રહ્યાં છે જેના કારણે ફરીથી શહેરમાં ટ્રાફિક સહિત દબાણોની સમસ્યા વધી જવા પામ્યા છે.
મનપામાં કોની મહેરબાની છે?? ત્યારે શહેરીજનોમાં શંકાનો સવાલ એ થાય છે કે મનપાના અધિકારીઓ કે પદાધિકારીઓ રોજેરોજ ત્યાંથી જ પસાર થતાં હોય છે તો શું આ બધા અડચણરૂપ દબાણો નહીં દેખાતા હોય કે પછી મનપામાં કોની મહેરબાનીથી આ બધા દબાણો ફરીથી પ્રસ્થાપિત થવા લાગ્યા છે??? કોણ છે આ ગુમનામ વ્યક્તિ કે જે દબાણો માટે જવાબદાર છે?? શું તેમના વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાશે??? ક્યારે થશે ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી???