મહેસાણા એ ડિવિઝન પોલીસે સોભાસણ રોડ પરથી એક શંકાસ્પદ વ્યક્તિને ચોરીની CNG રિક્ષા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી મહેબુબખાન આદમખાન હુસેનખાન પઠાણ (ઉ.વ.36, રહે. સુરત)ને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી GJ-02-YY-5889 નંબરની CNG રિક્ષા મળી આવી હતી, જે મહેસાણા નવી કોર્ટ સામેથી ચોરાયેલી હતી. રિક્ષાની કિંમત રૂ.60,000 છે. આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી રૂ.2,000ની કિંમતનો રેડમી નોટ-5 પ્રો મોબાઈલ ફોન પણ મળ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ ત્રણ મહિના પહેલા મહેસાણા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બીજી એક CNG રિક્ષા (નં. GJ-02-YY-6421)ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ રિક્ષા અમદાવાદના રાયપુર વિસ્તારમાં મૂકી રાખી હતી, જે રૂ.50,000ની કિંમતની છે. પોલીસે આ રિક્ષા તેના મૂળ માલિક કાંતિલાલ ખોડીદાસ બજાણીયા (રહે. કાંસા, તા.વિસનગર)ને પરત કરી છે. પોલીસે કુલ રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)(ઇ) મુજબ ધરપકડ કરી છે.