છેલ્લા કેટલાય મહિનાઓથી મહેસાણા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી સીટી બસ બંદ કરવાની બાબતનું શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સીટી બસ સંચાલક અને નગરપાલિકાના આંતરિક વિખવાદના કારણે શહેરીજનો ભોગ બની રહ્યા છે. ત્યારે મહેસાણાના શહેરમાં સીટી બસ બંદ કરી દેવામાં આવતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જે બાબતનો વિરોધ પ્રદર્શન કરતા મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સીટી બસ સેવા બંદ થઈ જતાં શહેરીજનો રીક્ષામાં જવા મજબુર બન્યા છે જેના લીધે રીક્ષા ચાલકો પણ મનફાવે તેવા ભાડા વસુલ કરી બેફામપણે નિર્દોષ શહેરીરીજનોના ખીસ્સા ખાલી કરતાં જોવા મળી રહ્યા છે. અગર જો સીટી બસ સેવા ચાલુ હોત તો લોકો ઓછા ભાડામાં સારી અને સરળ મુસાફરી કરી શક્યા હોત.
તો વળી બીજી તરફ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાષિત નગરપાલિકા દ્વારા કરવામાં આવતા આડેધડ વહીવટ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં જણાવ્યું હતું કે ભાજપના કયા નેતાને સીટી બસના પૈસા ઓછા પડ્યા છે કે સીટી બસની સેવા મહેસાણામાં બંદ કરી દેવામાં આવી છે? શું સાંઠગાંઠ ધરાવતા વ્યક્તિને હવે પછી સીટી બસ સેવાનો કોન્ટ્રાકટ આપવામાં આવશે??? આવા ગંભીર આક્ષેપો સાથે રેલી યોજી મહેસાણા શહેરમાં સીટી બસ સેવા ફરીથી શરૂ કરી લોકહિત માટે યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી.